મેહુલ ચોકસી મોદીનું મોટું કૌભાંડ, કોંગ્રેસ

મેહુલ ચોક્સીને એન્ટીગુઆનું નાગરિકત્વ અપાવવા ભારત સરકારે પોલીસ ક્લીઅરન્સ આપ્યું ત્યારે દેશની કોર્ટોમાં ૪૨ કેસો પેન્ડીંગ હતા. અર્જુનભાઈ મોઢવાડીયાએ મેહુલ ચોક્સી સામેના ૪૨ કેસોની યાદી, આ કેસો અંગે જાણ કરતા અને તેમનો પાસપોર્ટ જમા કરવાની માંગણી કરતા પત્રો સહિતના દસ્તાવેજો જાહેર કર્યા.
મેહુલ ચોક્સી સામેના કેસોની વિગતો પ્રધાનમંત્રી, નાણા મંત્રી, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર પાસે હોવા છતાં પોલીસ સર્ટીફીકેટ કેમ અપાયું ? પ્રધાનમંત્રી જવાબ આપે.
ગુજરાત હાઈકોર્ટે તા. ૧૪-૯-૨૦૧૬ના ઈન્ટરીમ ઓર્ડરમાં મેહુલ ચોક્સીના પાસપોર્ટ જપ્ત કરવાની કાર્યવાહી કરવાની અરજી સામે ગુજરાત સરકાર પાસે જવાબ માગ્‍યો હતો, પરંતુ ગુજરાત સરકારે કોઈ પગલાં ન લીધા.
અગાઉ લલિત મોદી અને વિજય માલ્યાને સેઈફ પેસેજ આપીને ભગાડી દેવાયા હતા. લલિત મોદી પછી મેહુલ ચોક્સીને જેલથી બચવા વિદેશોમાં ઠરીઠામ થવા ભાજપ સરકારની સીધી મદદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોકીદારને બદલે ભાગીદાર જેવી ભૂમિકા ભજવી છે – અર્જુન મોઢવાડીયા
રૂ. ૨૯ હજાર કરોડના બેંક લુંટ સ્કેમના આરોપી અને પ્રધાનમંત્રીશ્રીના મિત્ર મેહુલ ચોક્સીની સામે જુદી જુદી કોર્ટોમાં ૪૨ જેટલા કેસો પેન્ડીંગ હોવા છતાં નરેન્દ્ર મોદીની સરકારે માત્ર ભગાડવામાં જ મદદ નથી કરી પરંતુ આ કોર્ટ કેસોને અવગણીને તેમને વિદેશ મંત્રાલયનું પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ તથા તમામ પ્રકારે ક્લીન ચીટ આપીને ભાજપ સરકારે એન્ટીગુઆ દેશનું મે-૨૦૧૭માં નાગરિકત્વ અપાવવામાં વરવી ભૂમિકા ભજવી હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો.
અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે મેહુલ ચોક્સી સામે મુંબઈ સહિતની વિવિધ કોર્ટોમાં પેન્ડીંગ ૪૨ કેટલા ક્રિમીનલ કેસોનું લીસ્ટ, ગુજરાત હાઈકોર્ટનો ૧૪-૯-૨૦૧૬ના ઈન્ટરીમ ચુકાદો તથા માન. વડાપ્રધાનશ્રી તથા મુંબઈ પોલીસની સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન સેલને ગુજરાતના વ્હીસલ બ્લોઅર દિગ્વિજયસિંહજી જાડેજા અને બેંગ્લોરના હરિપ્રસાદ સહિતના અરજદારોએ તા.૬-૭-૨૦૧૬ના લખેલ પત્રમાં મેહુલ ચોક્સી સામેના વિવિધ કેસો, બેંક ફ્રોડની વિગતો અને તે વિદેશ ન ભાગી જાય તે માટે તેમનો પાસપોર્ટ જમા કરવાની વિનંતી કરતા પત્રની નકલો જાહેર કરી હતી.
દસ્તાવેજો બાબતે માહિતી આપતાં શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી, નાણા મંત્રીશ્રી, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતની ૧૪ રાજ્યોની સરકારોને મેહુલ ચોક્સીના કારનામાની અને કૌભાંડની ખબર જ હતી. મેહુલ ચોક્સી માટે ૪૨ જેટલા કોર્ટોમાં ક્રીમીનલ કેસ ચાલતા હતા. અમુક કેસોમાં તેમને ભાગેડુ જાહેર કરાયા હતા. આ બધી જ વિગતો ભારત સરકાર, સેબી, ઈડી અને મુંબઈ પોલીસ પાસે ઉપલબ્ધ હતી. ગુજરાત હાઈકોર્ટમાં દિગ્વિજયસિંહ જાડેજાએ ક્રીમીનલ એપ્લીકેશન કરીને મેહુલ ચોક્સી ભાગી ન જાય તે માટે તેમનો પાસપોર્ટ જપ્ત કરવાની માંગણી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તા.૧૪-૯-૨૦૧૬માં ઈન્ટરીમ ઓર્ડર કરીને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો હતો અને મેહુલ ચોક્સીએ એફીડેવીટ કરીને તે ક્યાંય ભાગી જવાના નથી તેવું જાહેર કર્યું હતું. પરંતુ રાજ્ય સરકારની મેહુલ ચોક્સી નીતિને કારણે આગળ કોઈ કાર્યવાહી થઈ નહોતી.
પ્રધાનમંત્રી મોદી પાસે ઉપલબ્ધ ૪૨ કેસોની વિગતને આધારે પ્રધાનમંત્રીશ્રીએ આ કેસોની તપાસ કરાવીને મેહુલ ચોક્સી સામે પગલાં લઈ શકાયા હોત પરંતુ તેની જગ્યાએ પ્રધાનમંત્રીી મોદીએ તેમને ઉઘોગપતિઓના જાહેર સમારંભોમાં “હમારે મેહુલભાઈ’ તરીકે સંબોધન કરીને સન્માન આપ્યું. એટલું જ નહીં પરંતુ તેમને ભારત સરકારના બિઝનેસ ડેલીગેશનમાં સામેલ કર્યા હતા.
જ્યારે પંજાબ નેશનલ બેંકે નીરવ મોદી-મેહુલ ચોક્સીના કૌભાંડની જાહેરાત કરી ત્યારે મેહુલ ચોક્સીનો પાસપોર્ટ જપ્ત કરીને બધી જ એજન્સીઓને કામે લગાડીને તથા ઈન્ટરપોલને જાણ કરીને મેહુલ ચોક્સી અને તેમના પત્ની સહિતના પરિવારજનોની ધરપકડ કરી શક્યા હોત પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવા ગુનેગરો માટેની “ઉડાન’ સ્કીમનો લાભ આપીને તેમને સેફ પેસેજ આપીને ભગાડી દેવામાં આવ્યા.
અઠવાડિયા પહેલાં જ ભારત સરકારને ખ્યાલ આવ્યો કે મેહુલ ચોક્સી તો હવે એન્ટીગુઆ જેવા નાના દેશના નાગરિક બનીને ભારતીય નાગરિક કરતાં વધારે સવલતો અને સલામતી મેળવી ચુક્યા છે. એન્ટીગુઆના નાગરિક તરીકે મેહુલ ચોક્સી ૧૩૨ જેટલા દેશોમાં વીમા વગર પ્રવાસ અને રોકાણ કરી શકે છે. ભારત સરકારે જ્યારે મેહુલ ચોક્સીને નાગરિકતા આપવા સામે વાંધો રજૂ કર્યો તો એન્ટીગુઆએ ભારત સરકારના વિદેશ મંત્રાલય મારફતે મળેલું પોલીસ વેરીફીકેશન સર્ટીફીકેટ કે જેમાં મેહુલ ચોક્સી સામે કોઈ એજન્સીની તપાસ કે કેસો નથી તેવું દર્શાવતો પત્ર જાહેર કરી દીધો.
અર્જુનભાઈ મોઢવાડીયાએ ભાજપ સરકારની આવા ભાગેડુઓને ભગાડવાની, બચાવવાની અને વિદેશોમાં જલસા કરવા બીજા દેશોમાં વસવાટ કરાવવાની કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, અગાઉ લલિત મોદી ભારતીય એજન્સીઓની તપાસમાંથી છટકીને ઈંગ્લેન્ડમાં રહી શકે તે માટે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઈંગ્લેન્ડની કોર્ટમાં ભારત સરકાર વિરુદ્ધ સોગંદનામું કર્યું હતું. ઉપરાંત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બિ્રટનની સરકારને લલિત મોદીને ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપવા “ના વાંધા પ્રમાણપત્ર’ આપ્યું હતું. વિજય માલ્યા ભાગી ગયા તેના આગલા દિવસે નાણામંત્રી અરૂણ જેટલીને મળીને ગયા હતા. મેહુલ ચોક્સીને પણ આવી જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. ભાજપ સરકારે બેંકોને બચાવવાને બદલે બેંક લુંટારાઓને બચાવવાનું કામ કર્યું છે.
અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ખુલાસાની માંગણી કરતાં જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સીની સામેના આરોપોની ખબર હોવા છતાં તેનો પાસપોર્ટ શા માટે જપ્ત ન કર્યો ? તેમની સામે ૪૨ જેટલા કેસ દેશની અદાલતોમાં પેન્ડીંગ હોવા છતાં એન્ટીગુઆનું નાગરિકત્વ મેળવવા માટે તેમને પોલીસ ક્લીયરન્સ કેવી રીતે આપવામાં આવ્યું ? આ સર્ટીફીકેટ આપવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી કોનું દબાણ હતું ?