મૈસુરી ગૌવંશ બહુ ચપળ, તેજ મિજાજના અને મારકણા હોય છે

ભારતીય ગાયોની ઓલાદોમાં જોવા મળતી ગાયોને તેમના રંગ, કદ, શિંગડાનો પ્રકાર અને માથાની ખાસિયતો મુજબ મોટા વિભાગો પાડવામાં આવ્યા છે. આ દરેક વિભાગને એક સરખા બાહય શારીરીક લક્ષણો (તેમજ આર્થિક લક્ષણો) ધરાવતા નાના વિભાગમાં વહેંચવામાં આવે છે. આ સમુહ વિશેષને જે તે પ્રાણીની ઓલાદ કહે છે.

બીજ ચન્દ્રાકાર શિંગડાવાળી સફેદ કે મુંજડા રંગની ગાયોની ઓલાદો : આ ઓલાદોની ગાયો સફેદ, ધુળીયા રંગની કે મુંજડા રંગની હોય છે અને મોટા બીજ-ચંદ્રાકાર શિંગડા ધરાવે છે. તેમના કપાળ પહોળા અને રકાબી માફક અંતગૉળ ખાડાવાળા હોય છે. આાંખના હાડકા ઉપસેલા તરી આવતા હોય છે. ચહેરો ટુંકો અને પાતળો હોય છે. કાંકરેજ અને થરપારકર આ વિભાગની મુખ્ય ઓલાદો છે.
ટૂંકા શિંગડાવાળી સફેદ કે ધુળીયા (મુંજડા) રંગની ગાયો : આ વિભાગની ઓલાદોના જાનવરો સફેદ અગર મુંજડા રંગના હોય છે. એમના શિંગડા ટૂંકા અને સહેજ બુઠા હોય છે. આ જાનવરોના કપાળ સાંકડા હોય છે. કપાળ સહેજ ઉપસેલા, બહિર્ગોળ-તરતા, અગર તો ચટપટા સપાટ હોય છે. કપાળ ખાડાવાળા હોતા નથી તેમજ આાંખના હાડકા પણ ઉપસેલા તરી આવતા હોતા નથી. આ વિભાગમાં હરીયાણા, ઓગાલ, ગોલવ, રાથ એ મુખ્ય ઓલાદો છે.
ગીર વિભાગની ગાયો : આ વિભાગની ગાયો મધ્યમથી માંડીને મોટા કદની હોય છે. એમના શરીરનો બાંધો ઢીલો એટલે કે ચામડી ઢીલી હોય છે. તદન લાલ રંગના, લાલ રંગના અને સફેદ કે પીળા ટપકાં કે ધાબાવાળા અને તદન કાળા અને સફેદ ધાબા ટપકાવાળા જાનવરો આ વર્ગના છે. કપાળ ઉપસેલું હોય છે. ધાબળી અને મુતરણા- લાંબા ઝુલતા લબડતા હોય છે. ગીર, દેઓની, સાહીવાલ, લાલ સિંધી, ડાંગી આ વિભાગની મુખ્ય ઓલાદો છે.
મૈસુરી ગાયો : આ વર્ગની ગાયો મધ્યમ કદની અને સફેદ મુંજડા રંગની કે કાળા રંગની હોય છે. ચામડી તંગ હોય છે. શિંગડા મથરાવટીની પાછળથી ફુટીને એક બીજાને સમાંતરે પીઠ તરફ પાછળ વળેલા લાંબા તિક્ષણ અણીદાર હોય છે. કપાળ લાંબુ અને મધ્યમાં લાંબા-આછા ખાડાવાળું હોય છે. તેમના પગ બહુ મજબુત હોય છે. આ વિભાગના પશુઓ બહુ ચપળ, તેજ મિજાજના અને મારકણા હોય છે. આ વર્ગના બળદો રસ્તા પર અને ખેતરોમાં ઝડપી કામ માટે જાણીતા છે. દા.ત. અમૃતમહાલ, હલીકર, કાંડાયામ, ખિલ્લાર જેવી ઓલાદો મુખ્ય છે.
ડુંગરાળ પ્રદેશની (પોનવાર, સીરી) ઓલાદો : આ પશુઓ વિવિધ ઓલાદોના સંમિશ્રણથી નિપજેલી છે. જેથી એમના શારીરીક લક્ષણોમાં એકરૂપતા જોવામાં આવતી નથી. તેઓના નાના કદના અને રંગના વૈવિધ્ય ધરાવે છે. ડુંગરાળ પ્રદેશમાં સારી રીતે ઉછેરી શકાય છે અને તેઓ કપરી પરિસ્થિતીમાં ઠીક ઠીક દૂધ ઉત્પાદન અને ભારવહન હલકા ખેતી કામની કામગીરી સારી રીતે બજાવે છે.