મોડાસા તાલુકા પંચાયતમાં શાસક પક્ષ કોંગ્રેસમા છેલ્લા ઘણા સમયથી જૂથબંધી અને ટાંટિયાખેંચ ચાલી રહી છે. જે હવે રાજકીય સપાટી પર ઉભરીને બહાર આવી છે. કોંગ્રેસનું શાસન છે જેમાં સામાન્ય સભા મળી હતી. એમાં કોંગ્રેસના આઠ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જે જૂથબંધીનું વરવું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. સભ્યો હવે કોંગ્રેસની સામે બાંયો ચડાવી રહ્યા છે. બળવો કરવાની તૈયારી કરી રહ્યા હોય એવું તેમના ઉપરથી સ્પષ્ટ થાય છે. તેમણે પોતાના પક્ષ પર ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા છે. પોતાને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસના હોદ્દેદારો કામ કરી રહ્યા હોવાના પણ આરોપ મુક્યા છે. આ બધા કારણોસર તેમને રાજીનામું આપી દેવાની પણ ધમકી આપી દીધી છે. 22 સભ્યો ધરાવતી તાલુકા પંચાયતમાં 16 કોંગ્રેસમાંથી ચૂંટાયા છે અને 6 ભાજપમાંથી છે. કોંગ્રેસના આઠ સભ્યો ગેરહાજર રહ્યા હતા તેમણે સભાનો બહિષ્કાર કર્યો હતો. સાથે સાથે ભાજપના પણ સભ્યો ગેરહાજર રહીને એમને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના 8 સભ્યોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લેખિતમાં આપી દીધું છે કે, અમારા વિસ્તારમાં જે કામો થયા છે તે બારોબાર કોન્ટ્રેક્ટ આપી દેવામાં વે છે. સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. જે કામ થયા છે એની ગુણવત્તા પણ અત્યંત ખરાબ છે. કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો છે જેની તપાસ કરવામાં આવે. જો તપાસ નહીં આપવામાં આવે તો સામૂહિક રાજીનામા આપી દેવામાં આવશે. આમ કોંગ્રેસ હવે જૂથબંધી ને ભ્રષ્ટાચારનું સ્વરૂપ આપી રહી છે. અગાઉ જે સમિતિઓની રચના થઈ હતી ત્યારે પણ બળવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. હવે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને આ આઠ સભ્યો બાયો ચડાવી રહ્યા છે. છતાં પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા કંઈ કરવા તૈયાર નથી.