ખાંભા નજીકના તુલસીશ્યામ વિસ્તારમાં 3 સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા બાદ મૃત સિંહ બાળાની માતા તથા અન્ય એક સિંહણ એકાએક લાપતા બની હતી. વન વિભાગે બન્ને સિંહણને શોધવા જંગલ ખુંદવાનું શરૂ કરવામાં આવ્યું હતું. શોધખોળ બાદ આખરે બન્ને સિંહણ મળી આવતાં જંગલ વિભાગ અને વન્ય પ્રાણી પ્રેમીઓએ રાહતનો દમ લીધો હતો. મૃત સિંહબાળની માતાની ભાળ ખાંભા તાલુકાના ભાણીયા રાઉન્ડની ગીદરડી બીટ વિસ્તારમાં હોવાનું તથા અન્ય એક સિંહણ ખાંભાના રેવન્યુ વિસ્તારમાંથી મળી આવી હતી.
ધારી ગીર પૂર્વ સિંહોની માઠી બેઠી હોય તેમ દલખાણીયા એક જ રેન્જમાં વાયરસથી 23 સિંહો તથા 3 બાળ સિંહના મોત આંતરિક લડાઈના કારણે થયા હતા.
લંગડી સિંહણ મળી આવી
ખાંભા તુલસીશ્યામ રેન્જનાં રબારીકા રાઉન્ડનાં હનુમાનપુર નજીક એક લંગડી સિંહણ હોવાનું વન વિભાગને જાણવા મળતા વન વિભાગે સિંહણનું સ્થળ શોધી કાઢી બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડોકટરે લંગડી સિંહણને સારવાર આપી હતી.
ફરી વાયરસ
સાવરકુંડલા રેન્જનાં આંબરડી ગામ નજીક ધાતરવડી નદીનાં પટમાં ગીચ ઝાડી ઝાંખરામાં ચારથી પાંચ વર્ષના એક સિંહ બે દિવસથી બીમાર હોય અને આ સિંહ ઉભો થઈ ન શકતો હોવાની જાણ નજીકમાં વાડી ધરાવતા ખેડૂતને થઈ હતી. તેણે વન વિભાગને જાણ કરી હતી. સિંહની હાલત જોતા સિંહના મોંમાંથી લાળો પડતી હોય અને પુરી રીતે અશકત અને બીમાર હાલતમાં હોવાનું જણાતા પ્રાથમિક તબકકે નર સિંહને કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) હોવાનું જણાઈ આવતા વનતંત્રના ઉચ્ચ અધિકારીને જાણ કરતા અધિકારી સાથે ડોકટર રેસ્કયુ ટીમ સહિત ઘટના સ્થળે પહોંચી સિંહનું નિરીક્ષણ કર્યા બાદ ટિવન્કીલાઈઝર કરી 5 કલાકની જહેમત બાદ નર સિંહનું રેસ્કયુ કરી જૂનાગઢ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો હતો. જ્યાં સિંહને પણ આ ખતરનાક જીવલેણ વાયરસની અસર હોવાનું વનવિભાગે જાહેર કરવામાં આવ્યું હતું.