પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને દેશના લોકોમાં રોષ છે, તો બીજી તરફ આ મુદ્દાને લઇને રાજકારણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. હવે પુલવામાના અટેકને લઇને ભાજપ સરકારની ટીકા કરવામાં NCPના નેતા શંકરસિંહ વાઘેલાનું નામ પણ જોડાઈ ગયું છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, પુલવામામાં જાણી જોઈને આ હુમલો કરાવાયો હોય તેવું લાગી રહ્યુ છે.
એક રીપોર્ટ અનુસાર સાણંદ ખાતે શક્તિદળ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, આ કાર્યક્રમમાં NCP નેતા શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. શંકરસિંહ વાઘેલાએ આ કાર્યક્રમમાં લોકોને સંબોધતા જણાવ્યું હતુ કે, એકબીજાને છેતરીને, મૂરખ બનાવીને જાણી જોઈને પુલવામામાં આ હુમલો કરાવ્યો હોય તેવું લાગે છે. આ ઉપરાંત તેમને વડાપ્રધાન નરેદ્ર મોદી પર પણ આકરા પ્રકારો કરતા જણાવ્યું હતુ કે, દેશના જવાનો શહીદ થયા હોય ત્યારે દેશના વડા કેવી રીતે હસી શકે?
ઉલ્લેખનીય છે કે, જ્યારથી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે, ત્યારથી તેઓ ભાજપ સરકાર સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. જ્યારે-જયારે શંકરસિંહ વાઘેલા પ્રેસ કોન્ફરન્સ કરે છે, ત્યારે તેઓ ભાજપ સરકારને નિષ્ફળ ગણાવે છે. નોટબંધી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર તેઓ સરકાર પર નિશાન સાધતા નજરે પડે છે. લોકસભાની ચૂંટણીને લઇ તેઓ ભાજપની સરકારને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા. ભાજપ સામે રહેલી તમામ વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન કરવા માટે તેઓએ ઘણી રાજકીય પાર્ટીઓના નેતાઓના સંપર્ક પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે એક પ્રેસ કોન્ફરસમાં એમ પણ કહ્યું હતુ કે, 2014માં બધા વિપક્ષો વેર-વિખેર હતા. હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં તમામ વિપક્ષો એકસાથે સરકાર સામે મોરચો માંડવાના છે.