મોદીનો અમુલમાં ફિયાસ્કો થયો તેવો નર્મદામાં ન થાય તે માટે પ્રયાસો

1 ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદમાં અમુલ ડેરીના મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે આવ્યા હતા. તેમની સભામાં બહું ઓછા લોકો હાજર હતા. સભાનો ફિયાસ્કો કેમ થયો તે અંગે ભાજપના નેતાઓએ અહેવાલ માંગ્યો હતો. જે હજુ સુધી આપવામાં આવ્યો નથી. ત્યારે નર્મદા બંધ ખાતે આવું ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સેંક્ડો બસ મુકવાની તૈયારી કરીને લોકોને લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

મોદીની દરેક સભામાં ઝાકમઝોળ, ભવ્યતા, સુવિધાઓ, સરકારી મશીનરીના ગેરઉપયોગ સાથે ઘણી ખર્ચાળ વ્યવસ્થાઓ જોવા મળતી હોય છે. હવે લોકોને મોદીની સભામાં કોઈ રસ નથી. તેમને મોદી પરથી ભરોષો ઉઠી ગયો હોય તેમ દરેક સભામાં આ રીતે લોકો આવતાં નથી અને લાવવામાં આવેલાં હોય તે મોદીનું ભાષણ શરૂં થાય તેની સાથે ઊભા થઈને ચાલતી પકડે છે.

પરંતુ ગુજરાતમાં ભાજપને છેલ્લા ત્રણ વર્ષથી કઠણાઈ બેઠી છે, વિધાનસભાની ચૂંટણીમાં માંડ માંડ પણ ભાજપ જીતી તે પણ આશ્ચર્યની વાત છે જો કે ત્યારબાદ પણ ભાજપને પ્રજાનો સપોર્ટ નથી મળી રહ્યો તે સાબિત થઇ રહ્યું છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ હોય કે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોય, ભાજપના અને રાજકીય પરિપેક્ષ્યથી થયેલા સરકારી કાર્યક્રમોના ફ્લોપ શો જ થઇ રહ્યા છે.

હવે અમુલ ડેરીના પ્લાન્ટ ખાતેની જ સભાની વાત કરીએ તો, કેટલીય એસ.ટી. બસો દોડાવવામાં આવે, કોલેજોમાં કડક સુચના આપવામાં આવે, ભીડ ભેગી કરવાના દરેક પ્રયાસ કરવામાં આવે, સરકારી મશીનરીનો તો કેવો ઉપયોગ થાય છે એ જગજાહેર જ છે. છતાંપણ મેનેજ કરીને પણ ભાજપથી ભીડ ભેગી નથી થઇ રહી.

ભાજપનું સંગઠન સાવ નબળું પડી ગયું હોય તેમ સાબિત થાય છે, તો નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકચાહના રહી નથી કે લોકોને એમની વાતો સાંભળવા જવામાં કોઈ રસ નથી એટલે સ્વેચ્છાએ જનાર તો ખબર નહીં કોઈ હોય કે ના હોય પણ નાસ્તા ને જમણવારના નામે પણ ભાજપની વાત માની કોઈ હાજર રહેવા તૈયાર નથી.

તો એક તો ફ્લોપ શો થયો ને પાછી એમાં નરેન્દ્ર મોદીએ હાસ્યાસ્પદ વાત કરતાં કહ્યું કે, એટલી બધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે કે ડોમમાં બેસવાની જગ્યા નથી ને લોકોને બહાર તડકામાં ઉભા રહેવું પડે છે.

પરંતુ નીચે મુકવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોદી જ્યારે ભાષણ કરે છે ત્યારે લોકોને કોઈ રસ ના હોય અને લેવાદેવા ના હોય એમ બહાર નીકળી જાય છે અને ડોમના એક મોટા હિસ્સામાં ખુરશીઓ સાવ ખાલી પડેલી નજરે પડે છે.

વડાપ્રધાન મોદીની સભામાં ભીડ ભેગી કરવા માટે આણંદ અને ખેડા જિલ્લાના શિક્ષકોને ભીડ લાવવાનું કામ આપવામાં આવ્યું હતું. એસટીની બસો ભરી ભરીને ભીડ ભેગી કરવાનું કામ સોંપ્યું હતું.

હવે ભણાવવાનું કામ કરતાં શિક્ષકોને શિક્ષણને બદલે ભાજપના પ્રસિદ્ધિના રાજકીય કામો સોંપવામાં આવે છે, હવે આમાં ક્યાંથી ગુજરાતનું શિક્ષણ ઉપર આવે ? એમનું જે કામ નથી એ ભીડ ભેગી કરવાના કામમાં શિક્ષકો નિષ્ફળ રહ્યા અને મોદીની સભાનો ફિયાસ્કો થઇ ગયો.

તો રવિવાર હોવા છતાં પણ વિદ્યાર્થીઓને હાજર રહેવાની કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી, એમાંથી પોતાની શૈક્ષણિક કારકિર્દીના ડરે હાજર રહ્યા હતાં પણ વિદ્યાર્થીઓમાં પણ ભાજપ વિરુદ્ધ આ કારણથી ભારોભાર રોષ પેદા થયો હતો અને ભાજપને આવી સભાઓથી ફાયદાને બદલે નુકસાન વધુ થયું, તેમજ સામે વિદ્યાર્થીઓએ પણ જાણે પડકાર ફેંકતા ગેરહાજર રહીને સંદેશ આપી દીધો.

ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ભાજપ નિષ્ફળ જ રહી છે, આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાંથી પાંચ બેઠકો પર કોંગ્રેસે ભારે બહુમતીથી તો બે બેઠક પર ભાજપે ગણતરીના વોટથી માંડ જીત મેળવી હતી.

આણંદ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને ભાજપની આવી મોટી સભાઓ કરતાં ત્યાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી કે અમિત ચાવડાની સંગઠનની સભાઓમાં વધારે ભીડ ભેગી થાય છે. આ જિલ્લામાં તેમની પકડ મજબુત છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં આ લોકસભા બેઠક પર ભાજપ ખરાબ રીતે હારે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. કારણકે હવે તો અમેરિકાથી પરત ફરીને ભરતસિંહ સોલંકી પણ સક્રિય થઇ ગયા છે.