આમ તો રાજકારણમાં મિત્રતા અને દુશ્મની કાયમી હોતી નથી. સ્થળ અને સંજોગ પ્રમાણે બધુ બદલાતુ રહે છે. 1986માં સંઘમાંથી ભાજપમાં આવેલા નરેન્દ્ર મોદી એક સારા સંગઠક અને સારા વ્યવસ્થાપક તેવું સોમનાથ યાત્રા વખતે ધ્યાન આવ્યું. ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું હાલમાં જેમ વિરોધીઓને તંત્ર દ્વારા શાંત કરી દેવામાં આવે છે, તેવું જ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ પણ કરતા હતા આ સ્થિતિમાં ભાજપને ઉભો કરવાની જવાબદારી નરેન્દ્ર મોદી ઉપર હતી. નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના કાર્યકરો અને દેશની પ્રજાનું ધ્યાન ભાજપ તરફ આકર્ષિત કરવા માટે સોમનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાની આગેવાની લાલકૃષ્ણ અડવાણી કરતા હતા, પણ બધી વ્યવસ્થાના કારભારી નરેન્દ્ર મોદી હતી.
સોમનાથ યાત્રા નીકળી અને રસ્તા ઉપર લાખો લોકો ઉમટી પડ્યા હતા. સોમનાથ યાત્રાનો શો સુપર ડુપર રહ્યો. લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદી ઉપર આફરીન થઈ ગયા. અડવાણી અને મોદીને નજીક લાવવાનું અને સમજવાનું કામ યાત્રાએ કર્યુ હતું. ત્યાર બાદ ગુજરાતનો નિર્ણય હોય કે દેશનો અડવાણી તેમના નરેન્દ્ર મોદીનો મત અચુક લેતા હતા. 1995માં ગુજરાત ભાજપમાં બળવો થયો અને મોદીને દિલ્હી જવું પડ્યું તેના કારણે ફરી અડવાણી અને મોદી સાથે થઈ ગયા. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નબળા સાબિત થઈ રહ્યા છે અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તેવુ લાલકૃષ્ણ અડવાણીને સમજાવવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા કારણ ત્યારે અડવાણી નરેન્દ્ર મોદીના ચશ્માથી સ્થિતિને જોવા લાગ્યા હતા.
2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાછા આવ્યા અને 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ પછી વ્યાપક પ્રમાણમાં તોફાન ફાટી નીકળ્યા હતા. મોદી હજી ગુજરાતના શાસનને બરાબર સમજે તે પહેલા તોફાનો બેકાબુ થઈ ગયા હતા. અખબારો, ટેલીવિઝનો અને મુસ્લિમો આરોપ મૂકી રહ્યા હતા કે તોફાન પાછળ નરેન્દ્ર મોદી છે અથવા નરેન્દ્ર મોદી સરકાર પક્ષપાતી કાર્યવાહી કરી છે. આ આરોપના પડઘા દિલ્હીમાં પડ્યા. વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ આ આરોપોની ખરાઈ કરવા કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાડીઝને અમદાવાદ મોકલ્યા. ફર્નાડીઝ અનેક લોકોને મળ્યા અને અધિકારીઓ પાસેથી વિગત મેળવી અને દિલ્હી પરત ફર્યા, ફર્નાડીઝનો રિપોર્ટ પણ મોદી સામે થઈ રહેલા આરોપોને સમર્થન આપતો હતો. જેના કારણે અટલબિહારી બાજપાઈ ખુદ અમદાવાદ આવ્યા.
કવિ બાજપાઈ રાજકારણી અને વડાપ્રધાન હોવાની સાથે રૂઝુ હૃદયના માણસ હતા. તેમણે પોતાની આંખે ગુજરાત જોયુ અને ગુજરાને સાંભળ્યુ. તે દુખી થઈ ગયા તેમણે જાહેરમાં નિવેદન કર્યુ કે શાસકે રાજધર્મ નિભાવવો જોઈએ. બાજપાઈના નિવેદનથી ભાજપ સ્તબ્ધ થઈ ગયો. બાજપાઈની નારાજગી સમજાઈ જાય તેવી હતી. અમદાવાદથી દિલ્હી પરત જવા નીકળેલા બાજપાઈએ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો. ખુદ નરેન્દ્ર મોદી પણ આ વાત સમજી ગયા હતા. તેમણે પોતાના રાજકીય ગુરૂ અડવાણીને વિનંતી કરી, બાજપાઈ નિર્ણય લઈ ચૂક્યા હતા, પણ નરેન્દ્રીમોદીને હટાવવા જોઈએ નહીં તેવુ સમજાવવા માટે અડવાણી અને મુરલી મનોહર જોષી બાજપાઈ પાસે પહોંચી ગયા.
બાજપાઈ પોતાના જૂના સાથી અડવાણી અને જોષીની વાત ટાળી શક્યા નહીં અને તેમણે મોદીને યથાવત રાખવાનો નિર્ણય કર્યો. સમયની સાથે બધુ બદલાઈ રહ્યુ હતું અને અડવાણી અને જોષી જેવા નેતાઓ વૃદ્ધ થઈ રહ્યા હતા, પણ અડવાણી અને જોષી જેવા નેતાઓ બહુ જલદી રાજકારણ છોડી શકતા નથી. બાજપાઈની સરકારમાં ગૃહમંત્રી અને નંબર બે ઉપર રહેનાર અડવાણીની ઈચ્છા વડાપ્રધાન થવાની હતી. હજી જો ભારતની જનતા એક વખત તક આપે તો વડાપ્રધાન તો થવુ જ છે તેવુ અડવાણી ઈચ્છતા હતા. બાજપાઈ ઉંમર અને બીમારીને કારણે રાજકારણની બહાર નીકળી ગયા હતા. રાષ્ટ્રીય ભાજપમાં હવે અડવાણી જ સિનિયર હતા જેના કારણે જો ભાજપ અથવા NDAની સરકાર બને તો પોતે વડાપ્રધાન થશે તેવા સ્વપ્ન તેમના હતા.
પણ લાલકૃષ્ણ અડવાણી જાણતા નહોતા કે રાજકારણની સીડી પોતાની આંગળી પકડી ચાલનાર ચેલો નરેન્દ્ર મોદી પણ હવે વડાપ્રધાન થવાના સ્વપ્ના જોઈ રહ્યો છે. જો કે 2002ના તોફાનો અને નરેન્દ્ર મોદીના સાચા જુઠા આક્રમક ભાષણોને કારણે નરેન્દ્ર મોદી દેશના નેતા બની રહ્યા હતા. ભાજપના પોસ્ટર બોય નરેન્દ્ર મોદી હતા, સંઘ અને ભાજપને સમમજાઈ ગયુ કે નરેન્દ્ર મોદીના નામના સિક્કા પડે છે ભાજપે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. 2013માં ભાજપમાં પોતાનો ભાવી વડાપ્રધાન કોણ બનશે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અડવાણીને ત્યારે પહેલી વખત ખ્યાલ આવ્યો કે શતરંજની રમતમાં કયારેક પ્યાદુ રાજાને માત આપે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે,. પોતાનો જ ચેલો નરેન્દ્ર મોદી પોતાના વડાપ્રધાન થવાના સ્વપ્નાને આડે આવી રહ્યો છે.
અડવાણીને ખ્યાલ આવી ગયો કે આ વખતે જો સત્તા આવે અને વડાપ્રધાન થઈ શકે નહીં તો ક્યારેય તક મળશે નહીં. તેમણે એક ચાલ ચાલી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કંઇક એવું બહાર આવે જેના કારણે ખુદ ભાજપ અને સંઘ તેને રેસમાંથી બહાર મૂકી દે તેવુ કરવાનું હતું. અડવાણીએ પોતાની કીચેન કેબીનટમાં રહેલા અમદાવાદના સાંસદ હરીન પાઠકને મદદ લીધી. ત્યાર બાદ થોડા દિવસ પછી એક વ્યક્તિ અમદાવાદ મોટેરા આશ્રમમાં આસારામ બાપુને મળવા જાય છે. આસારામ અને અડવાણીને બહુ સારા સંબંધ હતા, અડવાણીનો દુત આસારામને અડવાણીને ઈચ્છા જણાવે છે. આસારામ ધાર્મિક બાવો હોવા છતા રાજકારણ અને રાજકારણીઓને સારી રીતે સમજતો હતો તે અડવાણીની વાત માનવા તૈયાર થઈ જાય છે.
ભાજપમાં જાહેરમાં નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો અડવાણી માટે શક્ય નહોતો, માટે નવી રમત પ્રમાણે આસારામનો એક દુત અમદાવાદની જેલમાં પહોંચે છે. ત્યારે અમદાવાદ જેલમાં ગુજરાતના ઘણા પોલીસ અધિકારીઓ હતા આ બધા બનાવટી એન્કાઉન્ટર કેસના આરોપી હતા. એક સમય હતો જ્યારે તેઓ અમીત શાહની ખૂબ નજીક હતા, નરેન્દ્ર મોદીની હિન્દુ નેતાની છબી તૈયાર કરવામાં તેમણે ખૂબ કામ કર્યુ હતું, આ અધિકારીઓમાં આઈપીએસ ડી જી વણઝારા પણ હતા તેઓ આસારામના આંઘળા ભગત હતા, પોલીસ યુનિફોર્મમાં પણ તેઓ બાપુના પગમાં બેસતા હતા, બાપુના સત્સંગમાં નાચ પણ કરતા હતા, આસારામનો દુત વણઝારાને જઈ વાત સમજાવે છે, પણ વણજારા પુછે કે અડવાણી વડાપ્રધાન થાય તો મને શું લાભ. દુત ખાતરી આપે છે કે અડવાણી વડાપ્રધાન થાય તો જેલમાંથી મુક્તિ, કેસ પરત ખેચાઈ જશે અને દિલ્હી સરકારમાં સ્થાન પણ મળશે.
ડી જી વણઝારા પોલીસ અધિકારી હોવા છતાં નફો નુકશાન સમજી શકતા હતા. થોડા જ દિવસમાં તેઓ લેટપ બોમ્બ ફોડે છે, અને ગુજરાતના એન્કાઉન્ટરો માટે તેઓ નરેન્દ્ર મોદી અને અમીત શાહને જવાબદાર ગણાવે છે, ગણતરી હતી કે આ પત્ર સ્ફોટક સાબીત થશે અને ભાજપ નરેન્દ્ર મોદીને કોરણે મૂકશે, પણ અમીત શાહ પણ શાતીર ખેલાડી હતા, તેઓ જેલમાં તપાસ કરાવે છે કે છેલ્લે વણઝારાને મળવા કોણ આવ્યું હતું અને બહુ જલદી અડવાણીની રમત ખુલ્લી પડી જાય છે. ભાજપે નરેન્દ્ર મોદીને પોતાનો 2014નો ચહેરો બનાવવાનું નક્કી કર્યુ હતું તેને વળગી રહે છે. 2014માં અડવાણી પણ સંસદમાં આવે છે પણ પહેલી વખત તેવું થયું કે ચેલો વડાપ્રધાન હોય અને પોતાની જ સરકાર હોય તો પણ અડવાણી સરકારનો હિસ્સો બન્યા નહીં. આમ 2013માં નરેન્દ્ર મોદી અને અડવાણી અલગ થયા હતા.
2019માં નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીનો હિસાબ પૂરો કરી નાખ્યો પણ ક્રિકેટમાં જ્યારે ગાવસ્કર અને સચીન ઉત્તમ રમત રમતા હતા ત્યારે એક્ઝિટ લીધી તેવી જ રીતે અડવાણીએ એક્ઝિટ લીધી હોત તો આ રીતે અપમાનીત થઈ રાજકારણની બહાર નીકળવું પડતું નહીં.
(પ્રશાંત દયાળ)