લોકસભાની ચૂંટણીને લઇને એક તરફ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વડોદરામાં નિરીક્ષક તરીકે પહોંચેલા પંકજ દેસાઈનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. પંકજ દેસાઈએ સંભાવનાઓ વ્યક્ત કરી છે કે, PM વડોદરાથી ચૂંટણી લડી શકે છે અને જો તેઓ વડોદરાથી ચૂંટણી લડશે તો 7 લાખ કરતા પણ વધુ વોટોથી તેઓ વિજયી બનશે.
પંજક દેસાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને લોકોએ તેમને જંગી બહુમતીથી જીતાડ્યા હતા. વડોદરાના સૌ પ્રજાજનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં મત આપીને જીતાડ્યા હતા, એટલે અમે સાહેબને વિનંતી કરીએ છીએ કે, તેઓ વડોદરાથી ચૂંટણી લડે અને જીત્યા હતા તેનાથી વધારે મતોથી જીત હાંસલ કરે. આ તો અમારી વિનંતી છે, પણ આ બાબતે અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડે એ ગુજરાત માટે ખૂબ આનંદની વાત હશે.
નિરીક્ષક પંકજ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા સીટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટણી લડે તો હું એવુ માનું છું કે, આ વખતે 7 લાખ ઉપર મતોથી તેઓ વિજયી બનશે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય દેશમાં એવો કોઈ બીજો નેતા જ નથી એટલે તેમને કોઈપણ મુદ્દાઓ ચૂંટણીમાં નડે જ નહીં અને અત્યારે જે દેશનું વાતાવરણ બની ગયું છે, તે ઉપરથી એવું લાગે છે કે, પૂરી બહુમતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા છે.