મોરબીનાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, ડેમનાં પટમાં ક્રિકેટ રમ્યા

મંત્રીઓ અને ધારાસભ્યોનો પગાર વધારો કરીને તેમને બખ્ખાં કરાવી દેનાર રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપવામાં તેમ જ તેમનાં દેવાં માફી આપવામાં ઉણી ઉતરી છે. ત્યારે મોરબીમાં ખેડૂતો દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. મોરબીનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પોતાનાં ઊભા મોલને બચાવવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી આપવાની માંગણી કરી રહ્યાં છે, પરંતુ રાજ્ય સરકારનાં બહેરાં કાને આ વાત અથડાતી નથી. ત્યારે આ પંથકનાં ખેડૂતોએ ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં ત્રણ દિવસથી વિરોધ આંદોલન શરૂ કર્યું છે. જેનાં ભાગરૂપે આજે ત્રીજા દિવસે ધરતીપુત્રોએ પાણીની માંગ સાથે ખેડૂતોએ ખાલીખમ ડેમના પટ પર ક્રિકેટ રમી વિરોધ નોંધાવ્યો હતો. આ ખેડૂતો જે છેલ્લાં બે દિવસથી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યાં છે તેમાં પહેલાં દિવસે જગતનાં તાતે તમામ ડેમી જળાશયોમાં સૌની યોજનાના પાણી ઠાલવવા પહેલા દિવસે ધરણા પ્રદર્શન કર્યા હતાં. જ્યારે બીજા દિવસે ખેડૂતોએ શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની જતા ડેમી 1,2 અને 3 યોજના હેઠળ આવતા ખાનપર, નેસડા, આમરણ, ડાયમંડનગર સહિતના 20 ગામના ખેડૂતો દ્વારા છેલ્લા 15 દિવસથી તમામ ડેમી ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવા આવેદનપત્ર પાઠવી લેખિત અને મૌખિક માંગ કરી રહ્યાં છે. વિરોધ કરી રહેલાં ખેડૂતોનું કહેવું છે કે, અનેક રજૂઆત છતાં પણ સરકાર ખેડૂતોની માંગ પ્રત્યે ધ્યાન આપતી નથી. જેના કારણે ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. અને જ્યાં સુધી સરકાર ડેમી યોજનામાં પાણી નહિ ઠાલવે ત્યાં સુધી રોજે રોજ આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અમે વિરોધ નોધાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, 25મી ઓગસ્ટથી પાટીદાર યુવાન નેતા હાર્દિક પટેલ પણ ખેડૂતોનાં દેવાં માફીની માગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતર્યો હતો, પરંતુ, આંધળી અને બહેરી સરકારે હાર્દિક પટેલ ઉપરાંત તેને સમર્થન કરી રહેલાં કોંગ્રેસ તેમ જ ખેડૂતોની વાત સાંભળી નહિ અને તેમની માગણી બાબતે કોઈ વાટાઘાટો પણ ન કરી. ત્યારે ગુરુવારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નિતીન પટેલે ખેડૂતો માટે એક જાહેરાત કરી હતી. જેમાં ખેડૂત અકસ્માત વીમા સહાયનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત બાદ હવે ખેડૂત કે તેનાં વારસદારને કોઈ અકસ્માત થાય તો અત્યાર સુધી સરકાર દ્વારા એક લાખની સહાય કરવામાં આવતી હતી, તેમાં વધારો કરીને હવે તે બે લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો પણ કહી રહ્યાં છે, કે અકસ્માત કે મૃત્યુ બાદની રકમ કરતાં દેવાં માફી તેમ જ સિંચાઈ માટે સમયસર પાણી મળી રહે એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે.