મોરબીનાં ખેડૂતોને પાણી ન અપાતાં ભીખ માંગી વિરોધ કર્યો

ખેડૂતોનાં હિતની હંમેશા વાત કરનારા રાજ્ય સરકાર તાતની વાત સાંભળતી નથી. અને તેનાં કારણે આજે રાજ્યનો ખેડૂત દેવાનાં ડૂંગર તેળે દબાઈ ગયો છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું, તેમ જ અપૂરતાં વરસાદનાં કારણે તેમણે કરેલાં વાવેતર પણ નિષ્ફળ જવાની આરે ઊભું છે. ત્યારે દેવાં કરીને મોંઘા બિયારણ અને ખાતર ખરીદનાર ધરતીપુત્ર વધુને વધુ દેવાનાં ડૂંગર તળે દબાતો જાય છે. આ સંજોગોમાં આજે મોરબીનાં ખેડૂતોએ એક અનોખો વિરોધ નોંધાવીને પોતાની વાત પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો.
ખેડૂત હિતની સરકારી વાતો વચ્ચે ખેડૂતોને ભીખ માંગવાનો વારો આવ્યો છે, મોરબીના ખેડૂતોએ વિવિધ માંગણીઓને લઈ ભીખ માંગીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવા બસ સ્ટેન્ડથી માર્કેટ યાર્ડ સુધી ખેડૂતોએ ભીખ માંગી વિરોધ કર્યો હતો, તેમજ સિંચાઇ માટે પાણીની માંગ છતાં પાણી નહીં મળતા જુદા જુદા ગામનાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો, અને ભીખમાં મળેલા પૈસા જિલ્લા કલેક્ટરને આપશે. આ મામલે ખેડૂતોનું કહેવું છે કે, જ્યારે રાજ્ય સરકાર ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી ત્યારે અમારે ન છૂટકે આ રીતે રસ્તા પર ઉતરીને ભીખ માંગીને ગુજરાતની જનતાને અમારી સ્થિતિથી માહિતગાર કરવા પડે છે જે અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યનાં ખેડૂતોનાં દેવા માફી માટે પાટીદાર યુવાન નેતા હાર્દિક પટેલે તાજેતરમાં જ આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. આ ઉપરાંત અપૂરતાં વરસાદનાં કારણે ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લામાં પણ દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ પાટણ જિલ્લાનાં કેટલાંક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા માટે આંદોલનની શરૂઆત કરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે આગામી દિવસોમાં જ્યારે દિવાળી આવી રહી છે ત્યારે તેમને ભેટ આપવાનો નિર્ણય કરવામાં આવે છે કે નહિ.