ગુજરાતનાં ખેડૂતો પર આસમાનમાંથી આફત તૂટી પડી હોય એવું લાગે છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે પોતાનાં પાકને બચાવવાં જગતનો તાત હવાતિયા મારી રહ્યો છે તો બીજી બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે કેનાલો મારફતે રાજ્યનાં ગામડાંઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનાં બણગાં ફૂંકી રહી છે. ત્યારે મોરબી પંથકનાં ખેડૂતો માટે તો મોટી ઘાત બેઠી છે. આ વિસ્તારમાં અપૂરતો વરસાદનો માર તો છે સાથો સાથ અહીં ડેમી-2 અને ડેમી-3 બંધમાં પણ પાણી ન હોવાનાં કારણે આ પંથકનાં ખેડૂતો પાણીનો પોકાર કરી રહ્યાં છે, ત્યારે મોરબી જિલ્લાનાં માળિયા તાલુકામાં પણ પાણીનો પોકાર ઉઠ્યો છે.
સરદાર સરોવર ડેમ મારફતે નર્મદાની કેનાલ મારફતે રાજ્યનાં છેવાડાંનાં ગામે પાણી પહોંચાડવામાં આવતું હોવાનો દાવો હજુ રવિવારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કર્યો ત્યાં સોમવારે સવારે જ મોરબીનાં માળિયા તાલુકાનાં 12 ગામોનાં ખેડૂતો પાણીનાં પોકાર સાથે રસ્તા પર ઉતરી આવ્યાં. માળિયા તાલુકાની નર્મદા માળિયા બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળી રહે તે માટે છેલ્લાં કેટલાંક સમયથી આ વિસ્તારનાં ખેડૂતોની માગણી હોવા છતાં રાજ્ય સરકાર કે વહિવટી તંત્રનાં પેટનું પાણી ન હાલતાં છેવટે આ વિસ્તારનાં ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. આ વિસ્તારનાં ખાખરેચી ગામથી 12 ગામનાં ખેડૂતો રેલી સ્વરૂપે કેનાલ પહોંચ્યાં હતાં અને કેનાલ ઉપર પહોંચી ને ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનમાં આ પંથકનાં ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પાણી આપો પાણી આપોનાં પોકાર લગાવ્યા હતાં.
અત્રે નોંધનીય છે કે, રાજ્યનાં જે વિસ્તારોમાં અપૂરતો વરસાદ થયો છે તેમાં આ પંથકનો પણ સમાવેશ થાય છે, ત્યારે આ વિસ્તારમાં સિંચાઈનાં પાણીની સાથે સાથે પીવાનાં પાણીની પણ કારમી તંગી આવનારા દિવસોમાં ઊભી થવાની શક્યતાઓ નકારી શકાય નહિ. જો રાજ્ય સરકાર આ મામલે ઝડપથી કોઈ ઉકેલ નહિ લાવે તો આવનારા દિવસોમાં પાણી માટે પાણીપત સર્જાય તો નવાઈ નહિ.