મોરબીમાં આંદોલનનાં બીજા દિવસે સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે ખેડૂતો કર્યું હવન

એક બાજુ રાજ્ય સરકાર ખેડૂતોનાં દેવાં માફી મામલે કોઈ વિચારણા કરતી નથી અને બીજી બાજુ ધારાસભ્યોનાં તેમ જ મંત્રીઓનાં પગાર ભથ્થાંમાં ધરખમ વધારો કરીને ખેડૂતોનું અપમાન કરતી હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. મોરબી પંથકનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પાણી માટે વલખાં મારી રહ્યાં છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મત મેળવવાની લ્હાયમાં રાજ્ય સરકારે સૌની યોજનાનાં નામે પાણીનાં વધામણાં કરાવી કરાવીને પાણીનો બગાડ કર્યો પછી સૌરાષ્ટ્રનાં ઘણાં વિસ્તારોમાં પાણીની અછત ઊભી થઈ છે. સાથે સાથે આ વર્ષે અપૂરતાં વરસાદને કારણે પણ અછતની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મોરબી પંથકનાં ખેડૂતો દ્વારા છેલ્લાં બે દિવસતી મોરબીનાં ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ કમાન્ડ એરિયામાં આવતાં ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરીને તેમનાં ઊભા પાકને બચાવવા માટે સરકાર સમયસર પાણી આપે એવી માંગણી બૂલંદ કરી છે.
આ કમાન્ડ એરિયામાં અંદાજે 20 જેટલાં ગામો આવે છે અને ત્યાંના તમામ ખેડૂતોની એક જ માંગણી છે કે પાણી પૂરતાં પ્રમાણમાં આપવામાં આવે જેથી તેમનો પાક બચી શકે. ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીનો અંદાજ વર્તમાન ભાજપ સરકારને નથી આવી રહ્યો ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતો વધુ ઉગ્ર આંદોલન કરે એવી સ્થિતિ પણ ઊભી થવા પામી છે. મોરબી પંથકનાં ડેમી 2 અને ડેમી 3 પર વિરોધ કરી રહેલાં ખેડૂતોનાં આગેવાન જે. કે. પટેલે કહ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતોની માંગણીને અવગણવામાં આવી રહી છે. અને છેલ્લાં કેટલાંય વખતથી આ પંથકમાં ખેડૂતોને પાણી ન મળતું હોવાનાં કારણે તેમનાં પાકને નુકસાન થાય એવી ભીતિ છે એવા સંજોગોમાં છેલ્લાં બે દિવસતી ડેમી 2 અને ડેમી 3 ઉપર પાણીની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનનાં બીજા દિવસે ખેડૂતો દ્વારા એક હવન કરીને સરકારને સદ્બુદ્ધિ આવે એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 25મી ઓગસ્ટથી પાટીદાર યુવાન નેતા હાર્દિક પટેલ પણ ખેડૂતોનાં દેવાં માફીની માગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતર્યો હતો, પરંતુ, આંધળી અને બહેરી સરકારે હાર્દિક પટેલ ઉપરાંત તેને સમર્થન કરી રહેલાં કોંગ્રેસ તેમ જ ખેડૂતોની વાત સાંભળી નહિ અને તેમની માગણી બાબતે કોઈ વાટાઘાટો પણ ન કરી. ત્યારે ગુરુવારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નિતીન પટેલે ખેડૂતો માટે એક જાહેરાત કરી હતી. જેમાં ખેડૂત અકસ્માત વીમા સહાયનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત બાદ હવે ખેડૂત કે તેનાં વારસદારને કોઈ અકસ્માત થાય તો અત્યાર સુધી સરકાર દ્વારા એક લાખની સહાય કરવામાં આવતી હતી, તેમાં વધારો કરીને હવે તે બે લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો પણ કહી રહ્યાં છે, કે અકસ્માત કે મૃત્યુ બાદની રકમ કરતાં દેવાં માફી તેમ જ સિંચાઈ માટે સમયસર પાણી મળી રહે એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે.