મોરબીમાં ત્રણ હોદ્દાની જવાબદારી એક જ અધિકારીને આપીને કરોડોનું કૌભાંડ

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ વિભાગના કામો, વન-વગડાના સીમ તળાવો ઉંડા કરવામાં મોટા પાયે
ભાજપના મળતીયાઓએ કરેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને રાજકીય
કિન્નાખોરીથી કરેલી ધરપકડ અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ
દોશીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં સિંચાઈ વિભાગના વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના
સમયગાળા દરમિયાન અંદાજીત ૩૩૪ જેટલા કામો મંજુર કરીને તે અંગે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ કામને
અમલમાં મુકવા માટે સિંચાઈ વિભાગમાં સેક્સન ઓફિસર, નાયબ ઈજનેર અને કાર્યપાલક ઈજનેર ત્રણ-ત્રણ હોદ્દા
એક જ અધિકારી કાનાણીને સોંપવામાં આવેલા હતા. ત્રણ વર્ષમાં હાથ ધરવામાં આવેલા કામોમાં મોટા પાયે
ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાંથી ક્યા-ક્યા જિલ્લાઓના કેટલા કામો મંજુર થયા અને મંજુર થયેલા
કામો માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી ? આ તપાસનો વિષય છે. ભાજપ શાસનમાં ખેત-તલાવડી, બોરીબંધ,
તળાવ ઉંડા કરવાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જમીન વિકાસ નિગમની કચેરીમાં
સ્થળ પરથી જ ૫૫ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પકડાય તે જ બતાવે છે કે, છેલ્લાં પંદર વર્ષમાં જમીન વિકાસ
નિગમ મારફત ભાજપ સરકાર અને તેમના મળતીયાઓએ કરોડો રૂપિયાની લુંટ ચલાવી છે. મોરબી જીલ્લામાં જીલ્લા
પંચાયત, તાલુકા પંચાયત અને તમામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને મોરબી જીલ્લામાંથી
ભાજપનો સફાયો થતાં બેબાકળી બનેલી ભાજપા યેનકેન પ્રકારે રાજકીય કિન્નાખોરીથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને
અજાણી વ્યક્તિ સાથેની ઓડિયો વાતચીતના આધારે ધરપકડ કરી છે. જેને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડે છે.
મોરબી જીલ્લામાં ૩૩૪ જેટલા સિંચાઈના કામોમાં થયેલ મોટા ભ્રષ્ટાચાર અંગે ભાજપ તેમના મળતીયાઓને
બચાવવા માંગે છે. ત્યારે સાચી તપાસ થાય તો તપાસનો રેલો સિંચાઈ વિભાગ સુધી જાય છે. ત્યારે ભાજપ સરકાર
જવાબ આપે.

(૧) મોરબી જીલ્લામાં સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી, એક જ કર્મચારીને ત્રણ જવાબદારી એસ.ઓ., નાયબ ઈજનેર અને મુખ્ય ઈજનેર તમામ સત્તા એક જ અધિકારીશ્રી કાનાણીને આપવાનું કારણ શું ?
(૨) ૩૩૪ જેટલા સિંચાઈના કામો ગાંધીનગર વડી કચેરી દ્વારા મંજુર કરવાનું કારણ શું?
(૩) મોરબી જીલ્લામાં સ્ટાફનો અભાવ છતાં મો માંગી ગ્રાન્ટ ફાળવવા અને કામની મંજુરી આપવાનું કારણ શું ?
(૪) મોરબી સિંચાઈ કચેરી, રાજ્ય સિંચાઈ વિભાગ અને રાજકોટ સિંચાઈ વર્તુળ વિભાગના અધિકારીઓને મેળા-
પીપળામાં ક્યા ભાજપના નેતાના આશીર્વાદ છે ?
(૫) એમ.બી.રેકોર્ડ તૈયાર કરી જે તે કામ થઈ ગયાના પ્રમાણપત્ર લખી બીલો બનાવનાર-મંજુર કરનાર
અધિકારીઓની જવાબદારી શું ?