મોહનથી મહાત્મા સુધીની સફરમાં કસ્તુરબાનું યોગદાન

દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ભાગ ભજવનાર અને સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીને સૌ કોઈ વિશ્વ વિભૂતિ અને મહામાનવ તરીકે સ્વીકારે છે. આ મહામાનવની મોહનથી મહાત્મા સુધીની સફર માં સૌથી વધુ મહત્વનું કોઈનું યોગદાન હોય તો તેમનાં જીવન સંગીની કસ્તુરબાનું હતું. પરંતુ ઘણા લોકો તેમના આ મહત્વના યોગદાન થી અજાણ છે. ૨૨ ફેબ્રુઆરી એ કસ્તુરબાનો નિર્વાણદિન છે ત્યારે “પોરબંદર ટાઈમ્સ”ના આ ખાસ અહેવાલમાં જાણીએ તેમનું યોગદાન.

મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા બનાવવામાં જેમનો ‘સિંહણ’ફાળો છે. એવા કસ્તુરબાનો જન્મ 11 એપ્રિલ, 1869ના દિવસે પોરબંદરમાં કસ્તુર કાપડિયા તરીકે થયો હતો. અને તેમણે મહાશિવરાત્રીની તિથી અને તા 22 ફેબ્રુઆરી, 1944ના દિવસે પુણેના આગાખાન મહેલમાં અંતિમ શ્વાસ લીધા હતા.કસ્તુર કાપડિયાનો જન્મ પોરબંદર ના ગોકુલદાસ અને વૃજકુંવરબા કાપડિયાના ઘરે થયો હતો. અને ૧૮૮૨ માં તેમના પોરબંદરમાં જ રહેતા મોહનદાસ કરમચંદ કાપડિયા સાથે લગ્ન થયા હતા. નવાઈની વાત તો એ છે કે લગ્ન સમયે કસ્તુરબા તેમના પતિ મહાત્મા ગાંધી કરતા 5 મહિના અને 22 દિવસ મોટા હોવા છતાં તેમના આ લગ્ન કરવામાં આવ્યા હતા. કારણ કે મોહનદાસના પિતા કરમચંદને કસ્તુર બહુ ગમી હતી. અને તેમને ખાતરી હતી કે કસ્તુર જ તેમના પરિવાર માટે આદર્શ પુત્રવધૂ સાબિત થશે. મોહનદાસ કરમચંદ ગાંધી ઉચ્ચ અભ્યાસ માટે 1988માં લંડન જવા રવાના થયા ત્યારે શરૂઆતમાં કસ્તુરબા પોતાના નવજાત દીકરા હરીલાલ ગાંધીના ઉછેર માટે ભારતમાં જ રહ્યા હતા. વિદેશ થી બાપુ આવ્યા બાદ પણ કસ્તુરબા એ આખરી શ્વાસ સુધી બાપુના ખભેથી ખભા મિલાવી અને કામ કર્યું હતું.

કસ્તુરબાને બાપુ એ અક્ષરજ્ઞાન આપ્યું

કસ્તુરબા નિરક્ષર હતા. આથી ગાંધીજીને જ એવું થયું કે જો કસ્તુરબા અક્ષરજ્ઞાન મેળવે તો સારૂં રહેશે. પણ વડીલોના દેખતા તો સ્ત્રીના ભણી જોવાય જ નહીં તો ભણાવવાની વાત તો ક્યાંથી આગળ લાવવી ? અંતે ગાંધીજી પોતે સમય મળતો ત્યારે કસ્તુરબાને શિક્ષણ આપતા એ રીતે કસ્તુરબા શિક્ષિત બન્યા.

૩૭ વરસ ની ઉમરે બાપુ એ લીધેલ બ્રહ્મચર્ય ના આંચકારૂપ નિર્ણયને પણ સહર્ષ સ્વીકાર્યો.

ઇ.સ. ૧૯૦૬ માં મહાત્મા ગાંધીએ ૩૭ વરસની ઉમરે આજીવન બ્રહ્મચર્ય પાળવાનો આંચકાજનક નિર્ણય લીધો હતો. ત્યારે કસ્તુરબા એ તેમનો આ નિર્ણય પણ સહર્ષ સ્વીકારી લીધો હતો. અને આ અંગે ક્યારેય વિરોધ કર્યો ન હતો. અને નિર્ણય નું પાલન કરવામાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

જેલવાસ પણ વેઠ્યો

દક્ષીણ આફ્રિકા માં ૧૯૧૩ની સાલમાં એવો કાયદો આવ્યો કે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે થયેલા લગ્ન કે જે ત્યાના અમલદાર પાસે રજીસ્ટર ન થયા હોય તે સિવાય ના કોઈ પણ લગ્નો માન્ય ગણાશે નહી. અને અન્ય ધર્મો પ્રમાણે કરવામાં આવેલા લગ્નો રદ ગણાશે. અને આવા લગ્નો કરેલ મહિલા ને પત્ની નો દરજ્જો નહી મળે. આ કાયદો અન્યાયી જણાતા બાપુએ ત્યાની સરકાર સાથે આ કાયદો રદ કરવા વાટાઘાટો કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવતા અંતે તેઓ એ આ સામે સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો. જેમાં સ્ત્રીઓને પણ સામેલ કરવાનું નક્કી કર્યું. આથી કસ્તુરબા પણ આ લડાઈમાં જોડાયા હતા અને જેલવાસ પણ વેઠ્યો હતો.

કસ્તુરબાએ વર્ષો સુધી નવી સાડી ખરીદી ન હતી !

કસ્તુરબાએ હંમેશા બાપુએ ચિંધેલ સાદગીના સિઘ્ધાંતને જ જીવનમાં ઉતાર્યો હોય તેમ વર્ષો સુધી નવી સાડીની ખરીદી કરી ન હતી. સમૃદ્ધ પરિવારમાં ઉછરેલા કસ્તુરબાએ લગ્ન પછી સાસરીયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ષો સુધી નવી સાડી ખરીદી ન હતી. લગ્ન પછી ગાંધીજી પરદેશ ભણવા ગયા હતાં ત્યારે કુટુંબે ખર્ચો ન થાય એ માટે કસ્તુરબાએ સાડી ખરીદવાનું માંડી વાળ્યું હતું. પ્રસંગપાત એમને જરૂર પડે તો નણંદની સાડી ઉછીની માંગણી લેતા હતાં. અત્યંત સાદગીભર્યું ભોજન લેતા કસ્તુરબા તક મળે ત્યારે લંડન ભણી રહેલા ગાંધીજી માટે તેમની પ્રિય મીઠાઈ ગોળપાપડી બનાવીને મોકલતાં હતાં.પતિની જેમ મીઠા અને કઠોળનો ત્યાગ કર્યો !

ગાંધીજી 1908માં જેલમાં હતા. ત્યારે મીઠું નહીં ખાવાના નિયમનો સ્વેચ્છાએ જ જેલની બહાર આવ્યા બાદ સ્વીકાર કર્યો. અને પતિની પાછળ-પાછળ કસ્તુરબાએ પણ મીઠા અને કઠોળનો ત્યાગ કર્યો. કસ્તુરબાને શસ્ત્રક્રિયા પછી રક્તસ્ત્રાવ થયો. અને તેણે ઉથલો મારતા જરૂર હોવા છતાં મીઠા અને કઠોળનો ત્યાગ કર્યો. તે અકબંધ રાખ્યો અને અંતે તેઓ સાજા થયા બાદ પણ પતિની જેમ જ મીઠા અને કઠોળનો સ્પર્શ પણ કર્યો ન હતો.

મરી જાઉં તો ભલે પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં

ગાંધી અને કસ્તુરબા ડરબન માં હતા અને ગાંધીજી કોઈ કામસર જોહાનિસબર્ગ ગયા હતા. ત્યારે કસ્તુરબા ખુબ બીમાર પડી ગયા હતા. અને પથારી પર થી ઉઠી પણ શકતા ન હતા. અને એક વાર તો બેહોશ પણ થઇ ગયા હતા. આથી ડોકટરે ગાંધીજીને જોહાનિસબર્ગ ફોન કરી અને જણાવ્યું હતું કે “તમારા પત્નીને હું માંસનો સેરવો કે બીફ ટી આપવાની જરૂરિયાત જોઉં છું આથી તે આપવાની મને રજા મળવી જોઈએ “.ત્યારે મહાત્મા એ એવો જવાબ આપ્યો હતો કે મારાથી એ રજા અપાય નહી કસ્તુરબા સ્વતંત્ર છે. તેને પૂછવા જેવી સ્થિતિ હોય તો પૂછો અને તે લેવા માંગે તો બેશક આપો. ત્યારે ડોકટરે કસ્તુરબાની સ્થિતિ ગંભીર હોવાનું જણાવતા ગાંધીજી તાત્કાલિક ડરબન પહોંચ્યા હતા. અને ડોક્ટરને જણાવ્યું હતું કે મારી પત્નીને તેની ઇચ્છા વિરુધ ક્યારેય માંસ દેવા નહી દઉં. તે ન લેતા તેનું મૃત્યુ થવાનું હોય તે સહન કરવા તૈયાર છું. ત્યાર બાદ તેઓ કસ્તુરબા પાસે ગયા હતા અને ડોકટરે કહેલ સમગ્ર બાબત તેને જણાવી હતી. ત્યારે કસ્તુરબા એ દઢતાપૂર્વક એવો જવાબ આપ્યો હતો કે “મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારેવારે નથી આવતો ,ભલે તમારા ખોળામાં હું મરી જાઉં પરંતુ મારાથી આ દેહ વટલાવાશે નહી”.

અંગ્રેજો સામેની લડાઈમાં પણ બાપુની સાથે જોડાયા

૧૯૨૨માં જયારે બાપુની અંગ્રેજ સરકાર દ્વારા ધરપકડ થઇ અને તેમને ૬ વરસની સજા થઇ. ત્યારે પણ બાએ એક વીરાંગનાને છાજે તેમ સત્યાગ્રહીઓને હિમ્મત આપી અને સંદેશો આપ્યો કે સફળતા મેળવવીએ આપણા હાથની વાત છે. આથી તમામ સત્યાગ્રહીઓને રાત દિવસ રચ્યા પચ્યા રહીને ચરખો ચલાવવા, ખાદીનું ઉત્પાદન કરવા, પરદેશી કાપડ નો ત્યાગ કરવો જેવા રચનાત્મક કાર્યો કરવા અપીલ કરી હતી. જેનીએ સમય માં ખાસ્સી અસર પણ થઇ હતી અને ઠેર ઠેર પરદેશી કાપડની હોળીઓ કરાઈ હતી. અને ઘરે ઘરે રેંટિયા ગુંજવા લાગ્યા હતા. તો 1942 માં ગાંધીજીની મુંબઈના શિવાજીપાર્કમાં ધરપકડ થઈ. ત્યારે સંઘર્ષ અટકે નહીં તે માટે કસ્તુરબાએ લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. કસ્તુરબાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. આર્થર રોડ જેલમાં રખાયા બાદ તેમની તબિયત કથળી જતા આગાખાન પેલેસ-પુનામાં લઈ જવાયા હતા અને ત્યાં તા. 22 મી ફેબ્રુઆરી 1944માં તેમણે અંતિમ શ્ર્વાસ લીધા ત્યારે ગાંધીજીએ મજબુત સાથી ગુમાવ્યાની વેદના ઓછીન હતી !

૨૨ ફેબ્રુઆરી -૧૯૪૪ ,પુને આગાખાન પેલેસ ખાતે કસ્તુરબાનું નિધન

ચિતા પર પણ બાપુએ હાથે કાંતેલા સુતરની સાડી પહેરી ચડ્યા.

આમ તો કસ્તુરબા બાપુએ કાંતેલા સુતરની જ સાડી પહેરતા. અને જયારે બાએ આગાખાન મહેલમાં ઉપવાસ ચાલુ કર્યા ત્યારે તેઓને મળવા આવનાર આશ્રમની એક બાળાને સેવાગ્રામમાં રહેલા પોતાના કપડા જુદી જુદી વ્યક્તિઓને વહેંચી દેવા સૂચન કર્યું હતું. તેમજ એવું પણ જણાવ્યું હતું કે બાપુએ પોતાના હાથે કાંતેલ સુતરની સાડીઓ મને જેલમાં મોકલી આપજો. મારા મરણ પછી મારા દેહ પર એ સાડી જ લપેટવાની છે. આમ તેઓના અવસાન પછી જયારે ચિતા પર ચડ્યા. ત્યારે પણ બાપુ એ પોતાના હાથે કાંતેલ સુતરની સાડી જ પહેરી હતી.

.કીર્તિ મંદિર માં છે મહિલાઓ માટે ખાસ કસ્તુરબા લાયબ્રેરી

પોરબંદર માં મહાત્મા ગાંધી ના જન્મસ્થળ કિર્તીમંદિરમાં ઉપરના ભાગે ફક્ત મહિલાઓ માટેની એક લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેને કસ્તુરબા લાયબ્રેરી નામ અપાયું છે. જો કે હાલના સમયમાં સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટના વધતા જતા પ્રભાવના કારણે વાંચન ઘટતું જતું હોવાથી તેનો ઉપયોગ નહિવત મહિલાઓ જ કરે છે. તો ઘણી મહિલાઓને તો ખ્યાલ પણ નહી હોય કે પોરબંદરમાં મહિલાઓ માટેની ખાસ લાયબ્રેરી આવેલી છે. – પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ