ભાવનગર ખાતે રૂ. ૮૨૦ કરોડના ખર્ચે બનનાર નારીથી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર ૭૫૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કર્યો હતો. આ રોડ બનવાથી ભાવનગર- અમદાવાદનુ અંતર ૩૦ કિ.મી. જેટલું ઘટી જશે. વાહનોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ બચી જશે. વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૯૮૦૦ કિ.મી. રસ્તાઓનું અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૬૦૦૦ કિ.મી. રસ્તાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં દેશના તમામ ગામોને સાંકળી લઇ ૬૦,૦૦૦ કિ.મી. ના ગ્રામીણ માર્ગો બનાવવામાં આવશે. આ ચારમાર્ગીય રસ્તાના નિર્માણથી અમદાવાદ-ભાવનગર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેટમેન્ટ રીજયન વચ્ચેનો સંપર્ક વધુ સરળ બનશે.
વિજય રૂપાણીની જાહેરાત
બગોદરાથી ભાવનગરનો રસ્તો ચારમાર્ગીય બનાવવાની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. કેશુભાઈ પટેલે ૧૯૯૫માં ગોકૂળિયા ગામની યોજના દ્વારા ગામોને શેરીઓને જોડતા આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રૂ.૮ હજાર કરોડના રસ્તાઓ સહિત ગુજરાતના રેલ્વે ટ્રાફીકને ધ્યાનમાં લઇ તેને ઓવરબ્રિજથી સાંકળવાનું આયોજન કર્યુ છે.
માંડવીયાએ કઈ રીતે રસ્તાનો હિસાબ માંડ્યો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિક્ષણ તથા કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, આઝાદીથી અત્યાર સુધી દેશમાં ૯૮ હજાર કિ.મી.ના રસ્તાનું નિર્માણ થયું હતું. જયારે છેલ્લા આઠ વર્ષમાં જ દેશમાં ૧ લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં રોજના ૮૮ કિ.મી.ના હાઇવે તથા ૧૩૪ કિ.મી.ના ગામડાના રસ્તા રોજ નિર્માણ પામે છે.
આ હિસાબે એક વર્ષમાં 81030 કિ.મી.ના રસ્તા બન્યા હોવા જોઈએ. રોજના 222 કિ.મી.ના રસ્તા બને છે એવો દાવો માંડવીયાએ કર્યો તે ખોટો સાબિત થાય છે. તેમના આંકડા કોઈ રીતે માની શકાય તેમ નથી.