રાજકોટની શાળાનાં 150 બાળકોએ બાપુની વેશભૂષા સાથે બનાવ્યો ભારતનો નકશો

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી રાજ્યમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે બીજી ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતી નિમિત્તે રાજ્યની શાળાઓમાં જાહેર રજા હોવાનાં કારણે દર વર્ષે પહેલી ઓક્ટોબરે ગાંધી જયંતિની વિવિધ રીતે શાળાઓ દ્વારા કરવામાં આવે છે. આવી જ ઉજવણી રાજકોટની શાળા નંબર 93માં ઉજવણી કરવામાં આવી.
આ શાળાનાં 150 વિદ્યાર્થીઓએ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી. અને ગાંધીજીની માફક અલગ અલગ વસ્તુઓ રજૂ કરી હતી. આ ઉપરાંત આ તમામ બાળકોએ ભેગાં થઈને ગાંધીજીની વેશભૂષા સાથે ભારતનો નકશો બનાવીને પોતાની એકતા અને અખંડિતતાનાં દર્શન કરાવ્યાં હતાં. અને આ સમયે અદભૂત દ્રશ્ય લોકોને જોવા મળ્યું હતું. અને ઉપસ્થિત લોકો પણ બાળકોની આ કળાં ઉપર આફરીન પોકારી ઉઠ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે તેનાં ભાગરૂપે રાજ્યની શાળાઓમાં આ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજકોટમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ જ્યાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો એ શાળાને મહાત્મા ગાંધી મ્યૂઝિયમ તરીકે દેશને સમર્પિત કરી હતી. આ મ્યૂઝિયમ તૈયાર કરવા પાછળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂપિયા 26 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મ્યૂઝિયમની ખાસિયત એ છે કે મ્યૂઝિયમમાં થ્રી-ડી પ્રદર્શન પણ તૈયાર કરાયું છે જે દેશનું સૌથી મોટું થ્રી-ડી મેપિંગ છે