રાજકોટમાં ગુરૂવારથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ માટે બન્ને ટીમોએ સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો. ત્યારે પ્રેક્ટિસ શરૂ થાય તે પૂર્વે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, અમે વેસ્ટ ઈન્ડિઝની ટીમને બિલકુલ હળવાશથી નહીં લઈએ.
રહાણેએ ઉમેર્યું કે મેં તાજેતરમાં જ સ્થાનિક લેવલની મેચો રમી પ્રેક્ટિસ કરી હતી. પરંતુ નેટ કરતાં મેચ પ્રેક્ટિસ ઘણી મહત્વની બની જતી હોય છે. તેથી આ શ્રેણીમાં રમાનારી દરેક મેચમાં ટીમ ઈન્ડિયા કંઈ નવું કરી આગામી શ્રેણીઓની તૈયારી કરશે.
તાજેતરમાં જ એશિયાકપમાં ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શનને બિરદાવતાં રહાણેએ કહ્યું કે આ જીત બાદ ટીમમાં એક નવું જોમ ઉમેરાયું છે અને આ જોમ અને ટેમ્પો સાથે જ આ શ્રેણીમાં પણ દરેક ખેલાડી પ્રદર્શન કરશે. એશિયા કપમાં ભારતના જે પણ ખેલાડીને તક મળી તેણે શ્રેષ્ઠ રમત દાખવી પોતાને પૂરવાર કરી દીધો હતો. ત્યારે આ શ્રેણી પણ અમે એવી રીતે જ લઈશું.
રાજકોટની પીચ વિશે રહાણેએ કહ્યું કે રાજકોટની પીચમાં ઘણી નમી છે અને વિકેટ પણ સારી છે. પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ પીચનો ક્યાસ નીકળશે. ઈંગ્લેન્ડ સામે મળેલા પરાજય બાદ ટીમ ઈન્ડિયા તે પરાજયને ભૂલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં અભિયાનનો પ્રારંભ કરશે.
રહાણેએ ટીમ ઈન્ડિયામાં અત્યંત નાની ઉંમરે પસંદગી પામેલા બેટસમેન પૃથ્વી શોના વખાણ કરતાં કહ્યું કે પૃથ્વી શોની રમતનો ટીમને ઘણો જ ફાયદો મળશે અને હું તેની સાથે સ્થાનિક મેચો રમેલા છે તેથી હું તેનાથી ઘણો જ વાકેફ છું. કેપ્ટન, કોચ દ્વારા પણ તેની રમતમાં નિખાર લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
ઈંગ્લેન્ડ સામે મળેલા પરાજય બાદ ટીમ ઈન્ડિયાની રણનીતિ કેવી હશે તે અંગે રહાણેએ કહ્યું કે ઈંગ્લેન્ડનો માહોલ અને ભારતનો માહોલ ઉપરાંત ત્યાંની અને અહીંની પીચમાં ઘણો જ તફાવત રહેલો છે અને ભારતની પીચ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહે છે તે સૌ કોઈ જાણે છે તેથી ટીમ ઈન્ડિયા ભારતની પરંપરા અનુસારનું જ પ્રદર્શન કરી જીત મેળવવા પ્રયત્નશીલ રહેશે.