તમે સાંસદો દ્વારા ગામ દતક લેવાનું તો સાંભળ્યુ હશે. અનાથ આશ્રમમાંથી દંપતિઓ દ્વારા બાળક દત્તક લેવાનું પણ જોયુ જ હશે. પરંતુ રાજકોટ જિલ્લાના કલેકટર ડો. રાહુલ ગુપ્તાના પત્ની પ્રો. અનુજા ગુપ્તાએ એક પ્રાથમિક શાળા દત્તક લીધી છે. તેમણે ખરા અર્થે શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનું સરહાનીય પગલુ ભર્યુ છે.
રાજકોટ શહેર પાસે આવેલી આણંદપર ગામની પ્રાથમિક શાળા. આ એ જ શાળા છે જેને રાજકોટ જિલ્લા કલેકટરના પત્ની અનુજા ગુપ્તાએ દત્તક લીધી છે. તેમણે આ શાળા ગુજરાત કેડર આઈએએસ વાઈવ્ઝ એસોસિએશનના નેજા હેઠળ દત્તક લીધી છે. તેમણે આ શાળામાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પરિવર્તન લાવવાનું બિડું ઝડપ્યું છે.
પ્રારંભિક ધોરણે તો શાળાને દત્તક લેનાર અનુજાબહેને શાળા પાસેના એક ક્રિડાંગણને બાળકોને રમવા લાયક બનાવવાનું કાર્ય હાથમાં લીધુ છે. આ મેદાનમાં એટલું ઘાસ ઉગી ગયું હતું કે બે ત્રણ સર્પોનો વસવાટ બની ગયું હતું. તેમણે પહેલા આ મેદાન સાફ કરાવવાની કામગીરી હાથ પર લીધી હતી. જ્યાં હવે એથ્લેટિક્સ મેદાન બનાવવામાં આવ્યું છે. અહીં રનિંગ ટ્રેક પણ બનાવાશે. શાળાને સુવ્યવસ્થિત કરવાનો આગામી પ્લાન પણ તેમણે તૈયાર કર્યો છે. શાળાની દિવાલો પર ચિત્રનગરીના સહયોગથી સુંદર મઝાના ચિત્રો પણ દોરવામાં આવશે. એટલું જ નહિં નૃત્ય ક્લાસ પણ શરૂ કરી રસ ધરાવતા બાળકોને પાશ્ચાત્ય નૃત્યની પણ તાલીમ આપવામાં આવશે. બાલિકાઓને મહેંદી મૂકવાની તાલીમ તો યુવાનોને મોબાઈલ રિપેરિંગ સહિતના ટેકનિકલ કોર્સ શીખવવાની પણ યોજના બનાવવામાં આવી છે.
પ્રો. અનુજા ગુપ્તાને આ શાળા દત્તક લેવાની પ્રેરણા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમનાં પત્ની અંજલીબહેન દ્વારા ચાલતા પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા મળી છે. ત્યાં ચાલતી સુંદર પ્રવૃત્તિઓ જોઈ આ શાળા દત્તક લેવાનો નિર્ણય કર્યો છે.