લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ લોકસભાની બેઠક પરથી કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના 12 સભ્યોએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. 12 સભ્યોમાંથી 11 સભ્યો સામે પક્ષાંતર ધારાનો કેસ ચાલી રહ્યો છે. રાજકોટની જિલ્લા પંચાયતના 6 સભ્યો કુંવરજી બાવળીયાની સાથે ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે જિલ્લા પંચાયતના અન્ય 12 સભ્યો પણ ભાજપમાં જોડાવાનો નિર્ણય કયો છે.
કોંગ્રેસના સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે અમારા નામની આગળ લાગેલા બાગી શબ્દને કાઢવા માટે આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છીએ. બાગી ન રહેવા માટે અમારે કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવું જરૂરી હતું. જ્યારે કોંગ્રેસે અમારો અનાદર કર્યો હોય અને અમને વિશ્વાસમાં ન લેવામાં આવ્યા હોય, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છીએ.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના 23 સભ્યોને કોઈ પણ એક વ્યક્તિના ફેવરમાં મતદાન કરવા માટે અમને સાંભળવામાં આવ્યા ન હતા. જેના કારણે અમે નારાજ થઇને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ વિરુદ્ધમાં મત દાન કર્યું હતું. અમને એવું લાગ્યું કે, ભારત દેશની અંદર આતંકવાદી હુમલા થાય છે અને મોદીજીની સરકારમાં દેશના લોકો તેમને સાથે અને સહકાર આપતા હોય ત્યારે અમને લાગણી ઉભી થઈ કે, આવા કોઈ પાર્ટીના નેતા સાથે અમારે ખભે ખભો મિલાવીને કામ કરવું છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જૂથબંધી અને સરમુખત્યાર શાહી છે, તેના કારણે કોંગ્રેસને છોડીને ભાજપ સાથે જોડાઈ રહ્યા છીએ.