નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનીટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમની પૂર્વે રૂ.205 કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રાજપીપળા ખાતે રૂ.6.77 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા બનેલા અતિથિ ગૃહનું લોકાર્પણ કર્યું ત્યારે જમીનના મૂળ માલિકે આત્મહત્યા કરવાનું નિતીન પટેલની હાજરી વચ્ચે જાહેર કર્યું હતું. ત્યારે આદિવાસી નેતા મનસુખ વસાવા પણ હાજર હતા. જે જગ્યાએ અતિથિ ગૃહ બન્યું તેની જમીન વાવડી ગામના વિઠ્ઠલભાઈ પાંચીબાઈ વસાવાની છે અને તેમની મંજૂરી વગર બાંધકામ કરી દેવાયું છે. તેમ છતાં તેમને કોઈ વળતર અપાયું નથી. તેથી તેમણે પોતાના કુટુંબ સાથે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉદઘાટન સમયે જ આપી હતી. તેથી તેમની અટકાયત સરકારે કરી હતી. પણ વળતર આપવા માટે કોઈ તેમની સાથે વાત કરવા ગયું ન હતું. વિઠ્ઠલ વસાવાની આ જમીન સરકારે 1982-83માં સરવે નંબર 56-1-2 તેમની જાણ બહાર રેસ્ટહાઉસ બનાવવા માટે લઈ લીધી હતી. જે અંગે માર્ગ અને મકાન વિભાગની સમક્ષ તેમણે વળતર આપવા કે જમીન પરત આપવા માટે વારંવાર રજૂઆતો કરી છે. તેમણે દિલ્હી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં જમીનનો ન્યાય આપવા અને ગુજરાત વડી અદાલતમાં ગુનો દાખલ કર્યો છે.
આદિજાતિ પ્રધાનને ભાગવું પડ્યું હતું
ગુજરાત સરકારની આદિવાસી વિરોધ નીતિના કારણે 14 જાન્યુઆરી 2018ના રોજ રાજપીપળા ખાતે આદિવાસી મહાસંમેલન જેમાં ભાજપ સરકારના આદિજાતિ મંત્રી ગણપત વસાવા આવ્યા હતા. જેમણે લોકોનાં વિરોધનો ભારે સામનો કરવો પડયો હતો. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ વિરોધ થતાં ગણપત વસાવા કાર્યક્રમ છોડીને નીકળી ગયાં હતાં. આ નારાજ લોકોએ વિરોધ કરવાની સાથે જ તેમની કારને પણ નિશાન બનાવી હતી તેમજ કાર પર પથ્થરમારો પણ કર્યો હતો. આ પથ્થરમારાનાં કારણે કારનાં કાચ પણ તૂટી ગયાં હતાં.