કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયતના બે સભ્યો ભરત સોમજીયાણી અને ચન્દ્રીકાબેન જેન્તીલાલ પોકાર દ્વારા રાજીનામું આપી દેવા પાછળનું ખરું કારણ સાંસદ વિનોદ ચાવડા તેમ જ કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું છે. તેથી પ્રદેશ ભાજપના નેતાઓએ પણ આ પ્રશ્ને મૌન ધારણ કરી લીધું છે. પ્રજાની સમસ્યાઓની વારંવાર રજૂઆત કરી પણ તેનો કોઈ નિવેડો લાવવામાં આ બન્ને નેતાઓને કોઈ રસ ન હોવાનું જણાતાં આખરે કંટાળીને ભાજપના બે સભ્યોએ ભાજપ છોડી દેવા રાજીનામાં આપી દીધા હતા. જે હજુ સુધી પક્ષ દ્વારા સ્વિકારવામાં આવ્યા નથી. તેમને મનાવવામાં આવી રહ્યાં છે. પણ બન્ને સભ્યો રાજીનામાં પરત ખેંચવા તૈયાર નથી. તાલુકા વિકાસ અધિકારી પાસે રાજીનામાં પડેલાં હોવા છતાં અ અધિકારી પક્ષપાત રાખીને ભાજપના નેતાઓનું માનીને રાજીનામાં મંજૂર કરતાં ન હોવાનો આરોપ છે. સંસદ સભ્ય અને ભાજપના નેતાઓની બેઠક મળી રહી છે. પણ આ અંગે પક્ષ દ્વારા જોઈ જાહેર નિવેદન હજુ સુધી થયું નથી.
નખત્રાણા ભાજપનું આંતરિક રાજકારણ છેલ્લી પાયરી પર આવીને બેસી ગયું છે. લોકોના કામ નથી થતા, અત્યારે ઘાસચારા અને પાણીની ખૂબ જ તંગી છે, આ સિવાય નખત્રાણા જીએમડીસી કોલેજનો પ્રશ્ન, નખાત્રાણા શહેરમાં બાયપાસ રસ્તાનો પ્રશ્ન, એપીએમસીનો પ્રશ્ન જેવી પ્રજા લક્ષી યોજનાઓ અંગે કંઈ થતું નથી.
નખત્રાણા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા એકસમાન થઈ ગઈ છે. બન્નેની પાસે 9-9 સભ્યો છે. તેથી ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે.