રાજ્યમાં ખરીફ સિઝનમાં 95 ટકા વિસ્તારોમાં વાવેતર કરાયું

ગાંધીનગર, તા. 2

ગુજરાતમાં સારા વરસાદના પરિણામે ખેડૂતોએ ખરીફ સિઝનમાં અત્યાર સુધી 95 ટકા વિસ્તારમાં વાવેતર કરી દીધું છે. ઓગષ્ટ અંત સુધીમાં રાજ્યભરમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે. ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં પણ વાવેતર કરી દેવામાં આવ્યું છે. રાજ્યનો નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 લાખ હેક્ટર હોય છે જે પૈકી હજી 4 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવાનું બાકી છે.

રાજ્યમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને ધાન્યમાં 98 ટકા વાવેતર થયું છે જે પૈકી બાજરીમાં 103.78 ટકા વાવેતર જોવા મળે છે. ધાન્ય પાકોમાં સામાન્ય રીતે 13.53 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હોય છે, જ્યારે આ વર્ષે 13.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

કઠોળ પાકો જેવાં કે તુવેર, મગ, મઠ, અડદમાં 65 ટકા વાવેતર થયું છે. રાજ્યના 3.74 લાખ હેક્ટર વિસ્તારમાં આ વાવેતર થયું છે જે સામાન્ય રીતે 5.79 લાખ હેક્ટરમાં થતું હોય છે. એવી જ રીતે તેલીબીયાં પાકો જેવાં કે મગફળી, તલ, દિવેલા અને સોયાબીનમાં 23.83 લાખ હેક્ટર વિસ્તાર પૈકી 22 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ પાકમાં 93 ટકા જેટલું વાવેતર નોંધાયું છે.

અન્ય પાકો પૈકી કપાસમાં 102.55 ટકા એટલે કે 26.52 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે તમાકુનું વાવેતર ઘટ્યું છે. તમાકુમાં સામાન્ય રીતે 57000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે પરંતુ આ વખતે 3700 હેક્ટર વિસ્તારમાં થયું છે. રાજ્યમાં શાકભાજીનું વાવેતર 90 ટકા અને ઘાસચારાનું વાવેતર 98 ટકા જોવા મળે છે. ગુવાર સીડનું વાવેતર પણ 68 ટકા થયું છે. અન્ય પાકોમાં કુલ 41.60 લાખ હેક્ટર પૈકી 40.65 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

રાજ્યમાં ગયા વર્ષે ઓગષ્ટના અંત સુધીમાં કુલ વાવેતર 75.95 સાથ હેક્ટર વિસ્તારમાં જોવા મળ્યું હતું જેની સરખામણીએ આ વર્ષે ઓગષ્ટના અંત સુધીમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જે ચાર લાખ હેક્ટરનો વધારો દર્શાવે છે.

આ વર્ષે સૌથી વધુ વાવેતર કપાસમાં જોવા મળ્યું છે. કપાસનો વાવેતર વિસ્તાર 27 લાખ હેક્ટર છે જ્યારે મગફળીનો વાવેતર વિસ્તાર 15.70 લાખ હેક્ટર જોવા મળ્યો છે. ખેડૂતોએ 10.71 લાખ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે જે સામાન્ય સંજોગોમાં 11 લાખ હેક્ટર હોય છે.