ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીની જાહેરાતો થતાંની સાથે જ રાજ્યનાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયાં છે. એક બાજુ કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બે બેઠકો માટે અલગ અલગ જાહેરનામાનાં વિરૂદ્ધમાં કાયદાકીય જંગ લડવા માટે હથિયાર સજાવી રહ્યું છે, તો બીજી બાજુ ભાજપ દ્વારા આ બન્ને બેઠકો પર ઉમેદવારી કરાવીને પોતાને ફાળે જીત નોંધાવા માટે કવાયત હાથ ધરી છે. અને તે માટે કોંગ્રેસનાં કેટલાંક ધારાસભ્યોનાં સંપર્કમાં ભાજપની પ્રદેશ નેતાગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ધારાસભ્યો ત્રીજી જુલાઈએ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કરે એવી શક્યતા છે.
આ ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થશે. આમ તો આ બેઠક ભાજપનાં વિવિધ કાર્યક્રમો માટે બોલાવવામાં આવી છે. પરંતુ સૂત્રોનું માનીએ તો આ બેઠક પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાવાની છે અને તેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેવાના છે ત્યારે સ્વાભાવિક રીતે જ રાજ્યસભાની બે બેઠકો કેવી રીતે અંકે કરવી તેની ચર્ચા હાથ ધરાશે.
રાજ્યસભાની બે બેઠકો ભાજપ જીતશે એવો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રવિવારે કરવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસપણે વર્ષ 2017માં યોજાયેલી રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં જે પ્રકારે રણનીતિ ભાજપે ઘડી હતી તે પ્રમાણેની રણનીતિનાં આધારે ભાજપ આ વખતે ફરી આગળ વધે એવી ગણતરીઓ રાજકીય પંડિતો રાખી રહ્યાં છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ એવું જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે તેવી જ રીતે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર પણ કોંગ્રેસ અત્યારથી જ હાર ભાળી ગયું છે એટલે કોર્ટમાં જઈને ફાંફા મારી માત્ર ફીફાં ખાંડવાની વાત કરે છે, આ અગાઉ મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ ગુજરાતમાં જ્યારે જ્યારે બેઠકો ખાલી પડી છે ત્યારે ત્યારે અલગ અલગ મતદાન યોજાયું હતું. અને રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પણ કેન્દ્રીય ચૂંટણી પંચનાં આદેશ પ્રમાણે યોજાઈ રહી છે ત્યારે ભાજપ ઉપર આક્ષેપો કરીને કોંગ્રેસ અંધારામાં તીર મારી રહી છે.
ચૂંટણી પંચ દ્વારા 5મી જુલાઈનાં રોજ બે બેઠકો માટે જે જાહેરાત કરવામાં આવી છે તેનો વિરોધ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને ચૂંટણી પંચનાં આ નિર્ણયનો ઉગ્ર વિરોધ પણ પ્રદેશ નેતાગીરીએ નોંધાવ્યો છે. આ મામલે રવિવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે, ભાજપનાં ઈશારે કામ કરી રહેલાં ચૂંટણી પંચે જે રીતે બે બેઠકો માટે અલગ અલગ જાહેરનામા બહાર પાડ્યા છે તે કાયદાની વિરૂદ્ધ છે. આ મામલાને કોંગ્રેસ પક્ષ કોર્ટમાં પડકારશે. તો વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીને રવિવારે આ મામલે કોંગ્રેસ મોવડીમંડળે દિલ્હી બોલાવ્યા છે અને તેઓ ત્યાં પહોંચી ગયાં છે. તેમની સાથે અર્જુન મોઢવાડિયા પણ દિલ્હી પહોંચ્યા છે.
આ મામલે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ લોકસત્તા-જનસત્તાને જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા જે પ્રકારનું રાજનીતિ કરવામાં આવી રહી છે તે નિમ્નકક્ષાની છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ પણ ભાજપનાં ઈશારે જ કામ કરી રહ્યું છે. જે બે બેઠકો ગુજરાતની રાજ્યસભાની ખાલી પડી છે તેનાં અલગ અલગ જાહેરનામા કરીને ભાજપ પોતાની મનમાની કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસની નેતાગીરીએ આ મામલે કાયદાકીય પાસાંઓની ચકાસણી બાદ સુપ્રીમ કોર્ટમાં આ જાહેરનામાને પડકારવાની તૈયારી કરી છે અને અમને આશા છે કે, સુપ્રીમ કોર્ટ અલગ અલગ ચૂંટણી યોજવાનાં ચૂંટણી પંચનાં જાહેરનામાને રદ્દ કરશે.
દરમિયાનમાં જાણવા મળ્યું છે કે, 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ દ્વારા જે ભૂલો કરાઈ હતી અને તેનાં કારણે જે પ્રકારે રિસોર્ટ રાજનીતિ કરવી પડી હતી તેવી પરિસ્થિતિનું નિર્માણ આ વખતે પણ થાય એવી ભીતિ કોંગ્રેસને સતાવી રહી છે અને તે માટે તેણે અત્યારથી જ પોતાનાં ધારાસભ્યોને એલર્ટ રહેવાનો આદેશ આપી દીધો છે. જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કુંવરજી બાવળિયા, આશાબહેન પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને મનસુખ ધારવિયાને ધારાસભ્ય પદેથી રાજીનામા અપાવીને ભાજપમાં ભેળવી દીધાં છે.
ત્યારે આવનારા દિવસોમાં ભાજપ હજુ પણ કોંગ્રેસનાં કેટલાંક ધારાસભ્યોને તોડીને ભાજપમાં સામેલ કરવાની રણનીતિ સાથે આગળ વધ્યું છે. જે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની તૈયારી સાથે બેઠાં છે તેમાં કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલાં અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોરનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે, ત્રીજી જુલાઈએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે આ ત્રણ ધારાસભ્યો તેમની હાજરીમાં કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરશે. આમ ભાજપ આવનારી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડીને પોતાનાં પક્ષમાં સામેલ કરી દે તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી જતાં તેને રાજ્યસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડે એવી ગણતરી સાથે ભાજપની નેતાગીરી આગળ વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.