રાઠવા-કોળી શબ્દ હવે રાજકીય રૂપ ધારણ કરે છે, 30મીએ વિશાળ સંમેલન

આદિવાસીઓનો મોટો સમુહ રાઠવા છે. જે જ્ઞાતિમાં કોળી શબ્દ ઉમેરીને ગુજરાતની ભાજપ સરકાર રાજરમત રમી રહી છે. માત્ર રાઠવા જ નહીં પણ, નાયક, ધાણક જેવી આદિવાસી જાતિઓ સામે પણ આવું કરીને આદિવાસીઓની એકતા તોડી રાજકીય ફાયદાઓ લેવા માટે કાવતરાઓ થઈ રહ્યા છે. તેથી 30 ડિસેમ્બર 18 ના રોજ કવાંટ ખાતે રાઠવા આદિવાસી મહાસભા મળી રહી છે. જે સરકાર સામે આંદોલન કરશે. આમ રાઠવા અને કોળી શબ્દ રાજકીય રૂપ ધારણ કરી રહ્યો છે.

30મીનું સંમેલન સફળ બનાવવા માટે કવાંટ, ભીખાપુરા અને નસવાડી ખાતે બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી રાઠવા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા,. રાઠવા જ્ઞાતિના રેવન્યુ રેકર્ડમાં મતલબ વગરનો કોળી શબ્દ ઉમેરીને રાઠવા જ્ઞાતિને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 2016/17 માં તલાટીમાં ભરતી થયેલ આદિવાસી ઉમેદવારો ને જાતિ ના પ્રમાણપત્ર ની ચકાસણીના નામે ખોટી રીતે થઈ રહેલી હેરાનગતિ બંધ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

રેવન્યુ રેકર્ડમાં 73-અ અને 73-અઅની નોંધ પાડવામાં આવે તેવી માંગણી આદિવાસી રાઠવા સમુદાયના લોકોની છે. રાઠવા આદિવાસી ઓળખ માટે ઉભા થયેલા પ્રશ્ન સામે રાઠવા સમાજ એક બની ગયો હોવાથી તેને તોડી પાડવા માટે ભાજપના રાજકીય આદિવાસી નેતાઓ પ્રયાસ કરી રહ્યાં છે.

રાઠવા સમાજના આગેવાનો ઓળખના તેમના પ્રશ્ન સામેની લડતમા નાયક, ધાણક, તડવી, વસાવા જેવા અન્ય આદિવાસી સમૂદાયોને પણ સાથે જોડી રહ્યા છે. ત્રણ તાલુકાઓમા મળેલી બેઠકોમાં સરપંચો, તાલુકા -જીલ્લા પંચાયતના સભ્યો પણ હાજર રહ્યાં હતા. રાઠવા આદિવાસી મહાસભાના આયોજનમા જોડાયા હતા. 30 તારીખ રવિવારની કવાંટ ખાતેની આદિવાસી મહાસભામા 50 હજારથી વધારે આદિવાસીઓ આવશે એવી ધારણા છે.

ત્રીજો મુદ્દો એવો છે કે, છોટાઉદેપુર જિલ્લા અને બીજા આદિવાસી વિસ્તાર માંથી પસાર થતી નર્મદા નહેરનું પાણી સિંટાઈ માટે આપવામાં આવતું નથી તે આપવા માટે પણ માંગણી કરવામાં આવી છે. વળી આદિવાસીઓ માટે મંજૂર થતું અનુદાન આદિવાસીઓ માટે જ વાપરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં ઘણાં દવાખાનાઓમાં તબિબો નથી, કર્માચારીઓ નથી તે આપવાની પણ માંગણી કરવામાં આવશે. વળી શાળામાં પુરતાં શિક્ષકો નથી તે આપવા માટે પણ સભામાં ઠરાવ પસાર કરવામાં આવશે.