રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી,તા:૨૪   પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે 12:07 વાગ્યે નિધન થયું હતું. દિલ્હીની AIIMS ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીને નવમી ઓગસ્ટના રોજ એઇમ્સના ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે.  અમિત શાહ, ઉપરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી , દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ અરુણ જેટલીના નિવાસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અરુણ જેટલી વ્યવસાયે વકીલ હતા. નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં અરુણ જેટલીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. અરુણ જેટલીએ નાણા અને રક્ષા મંત્રાલયના કાર્યો સંભાળ્યા હતા. તેમણે અનેક વખત સરકારના ‘સંકટમોચક’ તરીકે પણ કામ કર્યું હતું.

સપ્ટેમ્બર 2014માં તેમણે ઘણા લાંબા સમય સુધી ડાયાબિટિસની સ્થિતિમાં પોતાના વજનને કાબૂમાં કરવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.

ખરાબ સ્વાસ્થ્યને કારણે મોદી સરકારની બીજી ટર્મમાં મંત્રી પદ ન સ્વીકાર્યું. રાફેલ, જીએસટી અને નોટબંધી જેવા સરકારના નિર્ણયો પર બચાવ માટે હંમેશા ફ્રન્ટ ફૂટ પર રહ્યા.

અરુણ જેટલીની અનેક સફરો પર એક નજર :

28 ડિસેમ્બર, 1952ના રોજ નવી દિલ્હીમાં જન્મ.

1960-69 સુધી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો.

1973માં નવી દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી.

1977માં દિલ્હી યુનિવર્સિટીમાંથી લૉનો અભ્યાસ કર્યો.

24મી મે, 1982ના રોજ સંગીતા ડોગરા સાથે લગ્ન કર્યા, એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો.

1989માં વીપી સિંહની સરકારમાં દેશના એડિશનલ સોલિસિટર જનરલ બન્યા.

વર્ષ 2000થી રાજ્યસભાના સભ્ય અને અનેક મંત્રી પદે રહી ચુક્યા છે.

 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં નાણા અને રક્ષા મંત્રી બન્યા.

કેન્દ્રીય રક્ષા મંત્રી (2014-17) અને સૂચના તેમજ પ્રસારણ મંત્રી (2014-2016)ની જવાબદારી સંભાળી.