પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં ધાનાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના ચોકીદાર અને રાજ્યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે.
સીબીઆઈની તપાસ સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરતા અને ભારત સરકારના રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી સામે પણ વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલય સહિતના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના સીધા આરોપો લાગી રહયાં છે. બારદાન કાંડ થયું. મગફળીકાંડમાં ચાર હજાર કરોડની મલાઈ કોણ તારવી ગયું ? તેનો જવાબ આપવામાં નિષ્ફળ નીવડેલાં ભાજપના મુખ્યમંત્રીએ વાત સ્વીકારી છે કે ગત વર્ષે મગફળી ખરીદીમાં ગોટાળો થયો હતો ત્યારે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વમાં મગફળીકાંડની તટસ્થ તપાસ આપવી જોઈએ.
ચાર હજાર કરોડના મગફળીકાંડમાં રાજ્યના મુખ્યમંત્રીએ અનિયમિતતાઓ સ્વીકારી છે. ગુજરાત સરકાર નાફેડ ઉપર સતત છ મહિનાથી આરોપનામું લગાવતી હતી અને ભારત સરકારની નાફેડ સંસ્થા ગુજરાતની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી હતી. ગઈકાલે મીટીંગ મળી, જેમાં નાફેડ ઉપર આરોપ લગાવનાર ભાજપ સરકારના મુખ્યમંત્રીએ નાફેડને ખરીદી કરવા વિનંતી કરવી પડે એવા કયા સંજોગો ઉભા થયા ? એવી કઈ અનિયમિતતાઓ હતી ? કે જેથી નાફેડે ગુજરાત સરકારથી પોતાનું અંતર જાળવ્યું. મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે કે ગત વર્ષે જેવા ગોટાળા થયા હતા એ આ વર્ષે ન થાય તેની તકેદારી રાખીશું. ગોટાળા કરનાર ભાજપ સરકારના મુખ્યમંત્રીએ નૈતિકતા સ્વીકારી રાજીનામું આપવું જોઈએ અને મગફળીકાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વમાં તપાસ થવી જોઈએ. વિપક્ષના નેતા તરીકે છેલ્લે ૨૪-૧૦-૨૦૧૮ના રોજ સરકાર સામે ઉઠાવેલા પ્રશ્નો કે જેની સતત અમે ઉઘરાણી કરી રહયા છીએ, પણ મુખ્યમંત્રીના નેતૃત્વ તળે સરકાર સતત સત્યને છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે. મલાઈ તારવી જનાર લોકોને કઠેડામાં ઉભા રાખવામાં નિષ્ફળ નીવડી છે, સજા આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે મુખ્યમંત્રીએ સ્વીકારેલ ગોટાળાઓની તટસ્થ તપાસ કરાવવા માટે જો ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજની તપાસ નહીં આપે અથવા રાજીનામું નહીં આપે તો આવતા દિવસોમાં વિપક્ષ નેતા તરીકે ફરી પાછા ગ્રાઉન્ડ ઝીરોથી અમે આંદોલનને ગામની ગલીઓમાં ખેડૂતોના ઘર અને ખેતર સુધી લઈ જઈશું.