ભારત એક આધ્યાત્મિક દેશ છે અને ભારતમાં વર્ષોથી ખેડૂતો ખેતી પણ આધ્યાત્મિક પદ્ધતિથી કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ભારતના ખેડૂતો પણ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈ રાસાયણિક ખેતી કરવા માંડ્યા છે. ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂતે ફરી એકવાર ખેડૂતોને આધ્યાત્મિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનુ બીડું ઝડપ્યું છે.
કહેવત છે કે જેવું અન્ન તેવું મન. માણસનું મન તેના ખોરાક પર નિર્ભર હોય છે તે જેવો આહાર લે છે તેવો વ્યવહાર કરે છે.. ત્યારે વર્તમાન સમયમાં ખેડૂતો ઝડપી ઉત્પાદન મેળવવા માટે પ્રશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયા છે અને હવે ખેતી પણ રાસાયણિક પદ્ધતિથી કરતા થઇ ગયા છે.. અને તેના ખરાબ પરિણામો પણ સામે આવી રહ્યા છે. પરંતુ ખેતીપ્રધાન દેશ એવા ભારત દેશમાં ખેતી અત્યારે જે રીતે થાય છે તે ખેત પદ્ધતિ આપણી પ્રાચીન પદ્ધતિ નથી. આપણા દેશમાં પ્રાચીન સમયથી ખેતી થતી આવી છે અને પ્રાચીન સમયમાં આપણા ખેડૂતોની ખેત પદ્ધતિ વર્તમાન પદ્ધતિ જેવી તો બિલકુલ નહોતી. આપણા દેશના નાગરિકો હંમેશાથી જીવો અને જીવવા દોની ભાવના સાથે જોડાયેલા છે. ત્યારે પ્રાચીન ભારતના ખેડૂતો પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખેતી કરતા હતા અને તેમણે પણ ખેતીમાં આ જ ભાવના કેળવી હતી. કે જીવો અને જીવવા દો. કે જેને આજના સમયમાં આપણે આધ્યાત્મિક ખેતી તરીકે ઓળખીએ છીએ.
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં આધ્યાત્મિક ખેતી પદ્ધતિને લઇ વિખ્યાત થયેલા આ આધ્યાત્મિક ખેડૂત પણ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ સુભાષ પાલેકર નામના વિચારકના સંપર્કમાં આવ્યા બાદ તેમણે પણ આધ્યાત્મિક ખેત પદ્ધતિનો માર્ગ અપનાવ્યો હતો અને વર્તમાન સમયમાં શુદ્ધ અને સાત્વિક રીતોથી આધ્યાત્મિક ખેતી કરી રહ્યા છે.
આધ્યાત્મિક ખેતી કોને કહેવાય તે અંગે બનાસકાંઠા જીલ્લાના રસાણા નજીક ખેતી કરતા જીતુભાઈ પટેલનો સંપર્ક કર્યો ત્યારે જીતુભાઈ નામના આ આધ્યાત્મિક ખેડૂતે આધ્યાત્મિક ખેતી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આધ્યાત્મિક ખેતી ઝીરો બજેટ ખેતી છે. આધ્યાત્મિક ખેતીના ફાયદા પર પ્રકાશ પાડીએ તો આધ્યાત્મિક ખેતીથી પર્યાવરણનું રક્ષણ થવા ઉપરાંત જમીનની ફળદ્રુપતતા પણ જળવાઈ રહે છે. સાથે સાથે આધ્યાત્મિક ખેતી દ્વારા પકવેલા ધાન્યને આરોગવાથી અનેક બીમારીઓમાંથી બચી શકાય છે અને શુદ્ધ અને સાત્વિક વિચારોનો પણ વિકાસ થાય છે.
આપણે આધ્યાત્મિક ખેતીના ચમત્કારિક ફાયદાઓ વિષે જાણકારી મેળવી. પરંતુ આ ખેતી ખેડૂતોને કેવી રીતે ફાયદાકારક છે અને કેવી રીતે આધ્યાત્મિક ખેતી કરવામાં આવે છે? તે સવાલ પણ ચોક્કસ ઉભો થઇ શકે છે. ત્યારે આધ્યાત્મિક ખેતી કરવા માટે સહુ પ્રથમ વાવેતર કર્યા બાદ દશપરણી ઉકાળાનો ઉપયોગ જંતુનાશક તરીકે કરવામાં આવે છે.. જેમાં તમામ રસાયણો કુદરતી રીતે જ એકત્રિત કરવામાં આવે છે. જંતુનાશક તરીકે દશપરણી ઉકાળો તૈયાર કરવા માટે દશ પ્રકારના અલગ અલગ વૃક્ષો કે જેના પાંદડા પશુઓ ન ખાતા હોય તેવા વૃક્ષોને લેવામાં આવે છે અને ત્યારબાદ તેને પાણી અને ગૌ મૂત્રના મિશ્રણ વાળી એક ટાંકીમાં ૪૦ દિવસ સુધી કોહવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેનું જે દ્રાવણ તૈયાર થાય છે તેને ચારણી વડે ગાળીને તેનો જંતુ નાશક દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ દ્રાવણનો ઉપયોગ વાવેતર સમયે જ કરવાનો હોય છે. અને તેના ઉપયોગથી પાકમાં જંતુઓનો ઉપદ્રવ થતો નથી..
આધ્યાત્મિક ખેતીમાં રાસાયણિક ખાતરના બદલે જે ખાતર તૈયાર કરવામાં આવે છે તે ખાતર “તેરા તુજકો અર્પણ” જેવા આધ્યાત્મિક ભાવ સાથે તૈયાર કરવામાં આવે છે. એટલે કે ખેડૂતો ધરતીને માતા માને છે અને ધરતી માતા પાસેથી જે મેળવે છે તે જ ધરતી માતાને અર્પણ કરીને ખાતર તૈયાર કરે છે.. જેમાં રાસાયણિક ખાતરના બદલામાં જીવામૃત ખાતર, ઘન જીવામૃત ખાતરનો સમાવેશ થાય છે. અને આ ખાતર ખેડૂત પોતાની જાતે જ તૈયાર કરી શકે છે.. આ ખાતર તૈયાર કરવામાં ખેડૂતને ચણાનો લોટ, ગૌમૂત્ર, ગોળ, વડના નીચેની માટી, ગાયનું છાણનો ઉપયોગ કરવો પડે છે. સહુ પ્રથમ ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને વડની માટીનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને ગાયના છાણમાં મિશ્ર કરીને સાત દિવસ સુધી કંતાનની નીચે ઢાંકી દેવામાં આવે છે. જેનાથી આ મિશ્રણ લગભગ ૭૦ ડીગ્રી સુધી ગરમ થતા ખાતરમાં રહેલા વધારાના બીજો નાશ પામે છે અને બેક્ટેરિયાનો વિકાસ થાય છે. આ ખાતરના ઉપયોગથી ખેતીમાં નિંદામણ થતું નથી અને પાકને નાઈટ્રોજન સહીત અન્ય પોષક તત્વો ભરપુર પ્રમાણમાં મળી રહે છે. જેનાથી વાવેતર કરવામાં આવેલા પાકનો વિકાસ સારો થાય છે.
બનાસકાંઠા જીલ્લામાં આધ્યામિક ખેતી પદ્ધતિ અપનાવીને આમૂલ પરિવર્તન લાવનારા જીતુભાઈ પટેલની પ્રેરણા લઈને ડીસા તાલુકાના જોરાપુરા ગામના બાબુજી ઠાકોર નામના ખેડૂતે પણ પોતાના ખેતરમાં આધ્યાત્મિક ખેત પદ્ધતિ અપનાવી છે અને છેલ્લાં બે વર્ષથી આધ્યાત્મિક ખેતી કરી રહ્યા છે. આધ્યાત્મિક ખેતી અપનાવનાર બાબુજી ઠાકોરને પહેલા લોકો કહેતા હતા કે આ ખેત પદ્ધતિથી ઉત્પાદન ખુબ જ ઓછું મળે છે. પરંતુ પોતે અનુભવ કર્યા બાદ હવે બાબુજી ઠાકોર જણાવી રહ્યા છે કે આધ્યાત્મિક ખેત પદ્ધતિના લીધે ઉત્પાદનમાં કોઈ જ ફર્ક પડતો નથી. પરંતુ જે પાક આવે છે તેની ગુણવત્તા ખુબ જ ઉત્તમ હોવાના લીધે ભાવો પણ સારા મળે છે.