રાજ્ય સરકાર પારદર્શી વહીવટની વાતો કરી રહી છે અને વચેટિયા પ્રથા નાબૂદ કરવાના દાવા કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલ વિભાગના વ્યાપક ભ્રષ્ટાચાર વચેટિયાઓ દ્વારા આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. અને મસમોટું કૌભાંડ બહાર આવી રહ્યું છે. જેમાં સરકારી કર્મચારીઓ પણ સામેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
હાલમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહેસૂલ વિભાગ સામે કરેલા નિવેદનને લઈ કર્મચારીઓ ભારે વિરોધ કરી રહ્યા છે, ત્યારે મુખ્યપ્રધાનના નિવેદનને સમર્થન આપતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠાના વડાવળ ગ્રામ પંચાયતમાં અછતથી પીડિત ખેડૂતોની ઉઘાડી લૂંટ થઈ રહી છે અને આ ઉઘાડી લૂંટમાં ખુદ ગ્રામપંચાયતના સરપંચની ભૂમિકા હોવાના આક્ષેપો થયા છે. જોકે અહીં પીડા સામે સરકારી મદદ મેળવવા આવતા ખેડૂતોને સરકારી બાબુઓં અને કોમ્પ્યુટર ઓપરેટર લૂંટી રહ્યા છે. અહીં ખેડૂતો પાસેથી અસરગ્રસ્ત સહાયના ફોર્મ ઓનલાઈન કરવાના છે. સરકારને પૈસા આપવા પડશે તેવું કહી સરકારી બાબુઓ અને કોમ્પ્યુટર ઓપરેટરો એક ફોર્મ સ્વીકારવાના રૂ. ૫૦ ખેડુતો પાસેથી ખુલ્લેઆમ વસૂલી રહ્યા છે.