રાહુલ ગાંધીનાં લીબર્ટી સ્ટેચ્યુ મામલે રાજ્યમાં ગરમાયું રાજકારણ

સરદાર સરોવર ડેમ પાસે બની રહેલાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી મામલે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સતનામાં એક જનસભાને સંબોધતાં કહ્યું હતું કે, દેશભક્તિની અને મેક ઈન ઈન્ડિયાની વાતો કરનારાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં લોખંડી પુરૂષ સરદાર પટેલની મોટી પ્રતિમાનું નિર્માણ ચાઈનાની કંપનીને સોંપ્યું છે. અને આ સ્ટેચ્યૂ મેક ઈન ઈન્ડિયા નહિ પરંતુ મેડ ઈન ચાઈના છે. રાહુલ ગાંધીના આ પ્રકારનાં નિવેદનથી ખફા થયેલાં ભાજપનાં નેતાઓની ફોજ રાહુલ ગાંધીનાં નિવેદનનો વિરોધ કરવા માટે મેદાનમાં ઉતરી પડ્યાં અને તેમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બાકાત ન રહ્યાં અને તેમણે રાહુલ ગાંધીનાં આ પ્રકારનાં નિવેદન મામલે તેમને મેડ ઈન ઈટલી કહ્યાં હતાં. નાયબ મુખ્યમંત્રીનાં આ નિવેદનનો વળતો પડઘો કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી દ્વારા પણ પાડવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીનાં નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ભાજપ પ્રેરિત વિરોધ પ્રદર્શન થયાં અને ઠેર ઠેર રાહુલ ગાંધીનાં પૂતળાંદહન કરવામાં આવ્યું. તો કોંગ્રેસે પણ ભાજપની નીતિ રીતિનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આ મામલે પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, દલાલી મળે તો આ ભાજપ સરકાર ડોકલામને પણ ચીનનાં ખોળે ધરી દે તેવો પક્ષ છે. પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, “લોખંડી પુરુષ સરદાર પટેલને લોખંડના ભુક્કામાંથી પૂતળામાં કેદ કરવાનું ષડયંત્ર ભાજપ સરકારે રચ્યું છે. સરકાર મેક ઇન ઇન્ડિયાની વાત કરીને સરદારના પૂતળાને ચીનમાં બનાવવાનો સબ-કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ સત્યને છૂપાવવા માટે ભાજપ રાષ્ટ્રભક્ત રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવી રહી છે.”
ધાનાણીએ આક્રમક ભાષામાં ભાજપ પર આક્ષેપો લગાવતા કહ્યુ કે, “આઝાદીની લડાઈમાં અંગ્રેજોની દલાલી કરનાર લોકો હવે આખા દેશને ગીરવે મૂકવાનું કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાશનમાં કારગીલના કોફીનમાંથી કટકી કરવામાં આવી છે. ગંગા સફાઈના નામે 7000 કરોડની દલાલી તારવી છે. મગફળીકાંડમાંથી 4000 કરોડની મલાઈ તારવવામાં આવી છે. દેશની સરહદની રક્ષા કરનાર રાફેલ વિમાનના સોદામાંથી પણ પોણા બે લાખ કરોડની દલાલી તારવવામાં આવી છે. જો દલાલી મળે તો આ લોકો ડોકલામને પણ ચીનના ખોળે ધરી દેતા શરમ ન અનુભવે. આવા લોકોથી દેશને ચેતવાની જરૂર છે. આ લોકોનું ચાલે તો દેશની સરહદોને પણ ગીરવે મૂકી દે.”
અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમ ખાતે નિર્માણાધીન સરદાર પટેલની પ્રતિમાની કામગીરી નિહાળવા માટે વિધાનસભાની ખાતરી સમિતિનાં સભ્યો ગયાં હોવાનાં અહેવાલો આવ્યાં હતાં. આ સમિતિમાં કોંગ્રેસનાં ધારાસભ્યો વિરજી ઠુમ્મર, આશાબહેન પટેલ અને ચંદ્રસિંહ પણ હતાં. જોકે, આ બાબતે વિરજી ઠુમ્મર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ખાતરી સમિતિનાં સભ્ય તરીકે સરદારની પ્રતિમાના નિર્માણનાં કાર્યસ્થળ પર નહોતાં ગયાં. ખાતરી સમિતિ કલ્પસર યોજનાનાં ભાગરૂપે ભાડભૂથ યોજનાની કામગીરીની ખાતરી કરવા ગઈ હતી. ત્યાંથી સરદાર સરોવર ડેમ સાઈટ પર ગયાં હતાં અને ધારાસભ્ય તરીકે સરદારની પ્રતિમાનાં નિર્માણ સ્થળ પર જવાનો અધિકાર છે ત્યારે ખાતરી સમિતિનાં સભ્ય તરીકે ખાતરી કરવાં ગયાં હોવાની વાત તદ્દન પાયાવિહિન છે.
આપને જણાવી દઈએ કે સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિનાં દિવસે કરવા આવવાનાં છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે, સરદારની પ્રતિમા મામલે શરૂ થયેલું રાજકારણ કેવો રંગ લાવે છે.