એકથી દોઢ કલાક સુધી ક્રેકર પ્લાન્ટમાંથી પ્રદૂષિત ધુમાડો નિકળતો રહ્યો. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગના ચેરમેનની વડોદરા ખાતેની એક મુલાકાત દરમિયાન સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ધૂમાડ ચોકડી પાસેથી જ દૂરથી ચીમનીમાંથી પહેલી નજરે જ ધારાધોરણ કરતા વધુ પ્રદુષિત ધૂમાડો નિકળતો નજરે ચઢ્યો હતો.
ધૂમાડો રિલાયન્સના ક્રેકર પ્લાન્ટમાંથી નિકળતો હોવાનું જણાયું હતું. આ બાબત સ્પષ્ટ થતાં જ તેઓ રિલાયન્સના પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા. પ્લાન્ટ ખાતે ક્રેકર પ્લાન્ટનું જાત નિરિક્ષણ કરીને જીપીસીબી મારફતે શો-કોઝ નોટિસ ફટકારી હતી. ગુરુવારે સવારે અગિયાર કલાકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના ચેરમેન કનુભાઈ મિસ્ત્રી વડોદરાની જીપીસીબીની કચેરી ખાતે પ્રાદેશિક અધિકારીઓ સાથે પૂર્વઆયોજિત એક બેઠકમાં હાજરી આપવા આવી રહ્યાં હતા. તેમની કાર મિટિંગ માટે તેઓ દુમાડ ચોકડી પાસે પહોંચી ત્યાં જ એક ભૂંગળામાંથી અસાધારણ માત્રામાં કાળો ધૂમાડો નિકળતો જોતાં જ તેઓ ચોંકી ગયા હતા. તેમણે ડ્રાઈવરને જવાળા સાથે કાળો ધૂમાડો છોડતાં યુનિટ પાસે લઈ જવા તાકીદ કરી હતી. આ દરમિયાન તેમણે જીપીસીબી, વડોદરાના અધિકારી અને સ્ટાફને પણ તાત્કાલિક એ યુનિટ ખાતે પહોંચવા જણાવ્યું હતું. તપાસ કરતાં કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા છોડતું યુનિટ પેટ્રોકેમિકલ કોમ્પ્લેકસમાં રિલાયન્સનો જીઓબી ક્રેકર પ્લાન્ટ હોવાનું માલૂમ પડ્યું હતું. આ પ્લાન્ટના ફ્લેર સ્ટેકમાંથી ધૂમાડા નિકળતા હતા. આ પ્લાન્ટ મેન્યૂફેકચરિંગ ડિવિઝનમાં આવેલો છે. જીપીસીબીના ચેરમેન જાતે જ આ ક્રેકર પ્લાન્ટ પર ધસી ગયા હતા અને સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. જીપીસીબીના ચેરમેનની હાજરીમાં અને તેમના ગયા બાદ પણ એક કલાકથી દોઢ કલાક સુધી આ ક્રેકર પ્લાન્ટમાં નિયતમાત્રા કરતા વધુ પ્રદુષિત ધૂમાડો નિકળતો રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ત્યાં જીપીસીબીના ચેરમેને એચએસઈ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનો ઉધડો લીધો હતો. અને તુરંત જ જીપીસીબી મારફતે અસાધારણ માત્રામાં નિકળતા ધૂમાડો નિકળવા પાછળનું કારણ અને સ્પષ્ટતા માટેની એક શો કોઝ નોટિસ પણ ઇશ્યૂ કરી હતી. અચાનક કાળો ધૂમાડો શા માટે નિકળવા માંડે છે ? ક્રેકર પ્લાન્ટમાં હાઈડ્રો-કાર્બન પ્રોસેસિંગ થતું હોય છે. હાઈડ્રો-કાર્બનના પ્રોસેસિંગના છેલ્લા તબક્કે તેને સંપૂર્ણ બાળી નાંખીને(દહન) હવાનું પ્રદુષણ ન થાય તે રીતે છોડવાનો હોય છે. આ પ્રક્રિયાને સાદી ટેકનિકલ ભાષામાં કંટ્રોલ બર્નિંગ કહેવાય છે. આ પ્રોસેસિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાય એટલે કે કોઈ ડિવાઈસ કે યુનિટ કામ કરતા બંધ થાય અથવા તેની અસરકારક્તા ઘટે ત્યારે પ્રોડકટનું સંપૂર્ણ દહન થતુ નથી અને પરિણામે ધારાધોરણ કરતાં પણ વધુ પ્રદુષિત ધૂમાડો તે છોડવા માંડે છે. જોકે આવી ખામી સર્જાય ત્યારે પ્લાન્ટના એ યુનિટ ઓટોમેટિક કામ કરતાં બંધ થઈ જાય તેવી સિસ્ટમ હોય છે. આગામી સમયમાં જીપીસીબી શું કરશે ? રિલાયન્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેકસ ખાતે સર્જાયેલી આ ઘટના બાદ હવે જીપીસીબી આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ(નરોડા) સહિત કેટલાક ઔધ્યોગિક વિસ્તારોમાં મૂકવામાં આવેલી ઓનલાઈન ઓપરેટિંગ સુવિધા વડોદરાના ઉદ્યોગો માટે પણ લાગૂ પાડશે. આ સુવિધા અંતર્ગત ઉદ્યોગોને તેમની હવામાં છોડતી ચીમનીઓ પાસે પણ સીસીટીવી કેમેરાં મૂકવા પડશે. આ ઉપરાંત પ્રદુષિત ધૂમાડો જ્યાંથી છોડવામાં આવે છે ત્યાં વિશેષ પ્રોબ ડિવાઈસ ફરજિયાતપણે મૂકવામાં આવશે જે પ્રદુષણને લગતાં સતત આંકડા આપશે. આ આંકડાઓનું રિડિઁગ પણ જીપીસીબીના મેઈન સર્વર સાથે જોડેલું હોવાથી પ્રાદેશિક કચેરીમાં પણ બેઠા બેઠા આ રિડિઁગ અધિકારીઓ નોંધી શકશે. પ્રાદેશિક કચેરીના જણાવ્યા અનુસાર આ અંગે જીએસીએલ, રિલાયન્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેકસ, ઓએનજીસી, જીએસએફસી અને આઈઓસી સાથે પત્ર વ્યહવાર પણ કરવામાં આવ્યો છે. જીપીસીબીએ નોટિસમાં કઈ કઈ વિગતો માગી છે ? પ્લાન્ટમાંથી કેટલો હાઈડ્રોકાર્બન ગેસ નિયમિતપણે દૈનિક નીકળે છે
ક્રેકર પ્લાન્ટ્સનો આગામી એક્શન પ્લાન માગ્યો છે પ્રદુષણ છોડતાં ક્રેકર પ્લાન્ટની તમામ વિગતો રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ પાસેથી પ્રિન્ટ આઉટ સાથે માગવામાં આવી છે. આ ઉપરાંત ડિટેઈલ્ટ એકશન પ્લાન રજુ કરવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. – આર.બી. ત્રિવેદી, પ્રાદેશિક અધિકારી, જીપીસીબી, વડોદરા