રિલાયંસનો લોટો લૂવાઈ ગયા પછી મ્યુચ્યુઅલ ફંડ તેના શેર્સ વેચવા નીકળશે

એક મ્યુચ્યુઅલ ફંડે તો એસેલ ગ્રુપના પ્રમોટરના ગિરો મૂકેલા શેર્સ આગામી સપ્ટેમ્બર મહિના સુધી ન વેચવાના કરાર પર સહી સિક્કા કરી આપ્યા હતા. અનિલ અંબાણીની કંપનીએ તેના 90 ટકા ધિરાણકારો સાથેના સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટ એટલે કે કંપની ડિફોલ્ટમાં હોય ત્ાયરેપણ કંપનીના શેર્સ ન વેચવાના કરાર કર્યા છે. કંપની ખાડે જતી હોવાનું દેખાતું હોય તો પણ કરારની જોગવાઈઓને આધીન મ્યુચ્યુઅલ ફંડો તેમના શેર્સ વેચી શકતા નથી. તેથી તેમના રોકાણનું મૂલ્ય તૂટીને તળિયે જાય ત્યારે જ તેમને તે શેર્સ વેચવાનો મોકો મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો લોટો લૂવાઈ ગયા પછી મ્યુચ્યુઅલ ફંડ તેના શેર્સ વેચવા નીકળશે. પરિણામે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરનારાઓના યુનિટના વેલ્યુ ગગડી શકે છે. મ્યુચ્યુઅલ ફંડના મેનેજરોની નિયમ બહારની આ પ્રવૃત્તિ ઇન્વેસ્ટર્સના રોકાણો સામે જોખમ ઊભું કરે છે.

આ પ્રકારના કોઈપણ કરારોને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબી માન્ય રાખતું જ નથી. તેથી આ પ્રકારના કરારને કારણે ફંડ હાઉસ તેના ઇન્વેસ્ટર્સને પૈસા ચૂકવવામાં ગલ્લાતલ્લાં કરે છે. આ પ્રકારના ફંડો સામે કાયદેસર એટલે કે સેબીના નિયમો હેઠળ લેવામાં આવતા પગલાં લેવાનું શરૂ કરવામાં આવશે. સેબીનું સ્પષ્ટ કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડો બેન્ક નથી. તેમણે પ્રમોટરને આ રીતે ધિરાણ કરવાનું જ ન હોય. તેમનું કામ તો બજારમાંથી સારામાં સારા વળતર આપતા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાનું છે. તેમણે ધિરાણ કરવાનું જ હોતું નથી. પોતાના ભાવિ માટે મહેનતની મૂડી રોકીને આયોજન કરતાં રોકાણકારોના હિતમાં ફંડમેનેજરોએ વધુ શિસ્તબદ્ધ રોકાણ કરવું પડશે. જોકે મ્યુચ્યુ્લ ફંડના મેનેજરો નવા આઈપીઓ લઈને માર્કટમાં ફંડ ઊભું કરવા આવતી કંપનીના પ્રમોટરો સાથે પણ આ પ્રકારના સેટિંગ્સ કરતાં હોય છે. આ પ્રકારના ડીલ કમિશનને ધોરણે થતાં હોવાનું જોવા મળે છે. આ સોદા ખાનગીમાં થતાં હોય છે. આ પ્રકારના સોદા પકડાય તો તેને પણ રોકાણકારોના હિતની વિરુદ્ધ ગણીને સેબીએ જવાબદારો સામે કાયદેસર પગલાં લેવા જોઈએ.