ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય છે. સરકારે ખેડૂત પાસેથી સીધી ખરીદી કરવાની પરવાનગી આપ્યા પછી, ઉત્તરના રાજ્યોમાં ત્રણ વર્ષ પછી પહેલી વખત સીસીઆઈ બજારમાં ઉતરી છે. અલબત્ત, ભેજનું પ્રમાણ વધુ હોવાથી રૂ ખરીદી સાવ ધીમી ચાલી રહી છે.
સીસીઆઈ ૧૨ ટકાના મોઈશ્ચર (ભેજ)નાં પ્રમાણ સાથે રૂ ખરીદી રહી છે, પણ બજારમાં આવતા માલમાં ભેજનું પ્રમાણ તેના કરતા વધુ છે. ગતવર્ષે સીસીસઆઇએ ૧૦.૭ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) રૂ ટેકાના ભાવથી પ્રાપ્ત કર્યું હતું. ૨૦૧૯-૨૦ની મોસમ માટે ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૫૪૫૦થી વધારીને રૂ. ૫૫૫૦ કર્યો છે. ઉત્તર ભારતમાં અત્યારે દૈનિક સરેરાશ ૪૦થી ૫૦ હજાર, ગુજરાતમાં ૬૦થી ૬૫ હજાર, મહારાષ્ટ્રમાં ૪થી પાંચ હજાર, કર્ણાટકમાં બે હાજર અને તેલંગાના વિસ્તારના બેથી ત્રણ હજાર ગાંસડીની આવક રહે છે. ઓક્ટોબર એન્ડ અથવા નવેમ્બરના આરંભથી આવકોનો વેગ વધવાની શક્યતા છે. ૨૦૧૯-૨૦ની મોસમમા સીસીઆઈ ૧૦૦ લાખ ગાંસડી રૂ ખરીદવાનો લક્ષ્યાંક ધરાવે છે.
અત્યાર સુધીમાં સીસીઆઇએ સૌથી વધુ ૨૦૧૪-૧૫મા ૯૬ લાખ ગાંસડી રૂની ખરીદી કરી હતી. ભારતના મહત્તમ રૂ વાવેતર વિસ્તારમાં વધુ એકરેજ કપાસ વાવણી, સારો વરસાદ અને ખેડૂતોની ઉત્તમ માવજતને લીધે યીલ્ડ ઊંચું આવાની ગણતરી સાથે સીસીઆઈએ ૨૦૧૯-૨૦નો રૂ પાક અંદાજ ગયા વર્ષ કરતા ૪ ટકા વધુ ૩૫૦ લાખ ગાંસડી મુક્યો છે. અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)નાં તાજા ઓક્ટોબર અંદાજ મુજબ ઓક્ટોબરથી શરુ થયેલી ૨૦૧૯-૨૦ની ભારતીય મોસમમાં રૂ ઉત્પાદન ગતવર્ષથી ૧૫ ટકા વધીને ૩૯૧ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) આવશે. બ્રાઝીલ, ઓસ્ટ્રેલીયા, પાકિસ્તાન અને અમેરિકામાં ઉત્પાદન ઘટ સાથે વૈશ્વિક રૂ ઉત્પાદન ૧.૩૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) ઘટવાની શક્યતા છે, જે ભારતમાં ૧૫ ટકા મોટી પાક વૃદ્ધિથી સામે સરભર થઇ જશે. ૨૦૧૯-૨૦નો વૈશ્વિક વર્ષાંત સ્ટોક, સપ્ટેમ્બરના અનુમાન જેટલોજ ૮૩૭ લાખ ગાંસડી મુકવામાં આવ્યો હતો. અલબત્ત, ૨૦૧૮-૧૯ કરતા આ સ્ટોક ૩૦ લાખ ગાંસડી વધુ છે.
અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે ૨૦૧૯-૨૦ની રૂ મોસમમાં સરેરાશ ભાવ ૫૮ સેન્ટ, સપ્ટેમ્બર અંદાજ જેટલા જ રહેશે, પણ આ ભાવ ૨૦૧૮-૧૯ની મોસમ કરતા ૧૨.૫ સેન્ટ નીચા છે. રૂ બજારમાં ગત મહિનાથી નાણાનો પ્રવાહ વધ્યો છે એ જોતા તેજીવાળાના કેમ્પમાં અશાવાદનો સહેજ સંચાર થયો છે. કદાચ એવું બને કે અમેરિકન કૃષિ મંત્રાલયનો તાજો અહેવાલ બજારના આંતરપ્રવાહને સધિયારો આપશે. નાયમેકસ ફ્રંટમંથ ડીસેમ્બર રૂ વાયદો સતત ચાર સપ્તાહ સુધી વધ્યો હતો, સોમવારે ૮ જુલાઈ પછીની નવી ઉંચાઈ ૬૫.૮૭ સેન્ટ પછી નફા બુકિંગ આવતા ભાવ ગબડીને ઇન્ટ્રાડેમાં ૬૩.૧૫ સેન્ટ સુધી ઘટ્યા હતા.
ઇન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કમિટી (આઈસીએસી)એ ઓક્ટોબર ૨૦૧૯ કોટન સમરીમાં કહ્યું હતું કે ઓગસ્ટથી શરુ થયેલી ૨૦૧૯-૨૦ની જાગતિક રૂ મોસમમાં માંગ ૨૬૫ લાખ ટન સામે ઉત્પાદન સહેજ વધીને ૨૬૮ લાખ ટન આવવાની સંભાવના છે. કોટન એસોસીયેશ ઓફ ઇન્ડીયાનાં ડેટા કહે છે કે ભારતની રૂ નિકાસ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૩૬ ટકા ઘટીને ૪૪ લાખ ગાંસડી થઇ હતી, તેની સામે આયાત ૨૯ લાખ ગાંસડી નોંધાઈ હતી.