ભાજપ સરકાર 18 વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે. 2018માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે ભ્રષ્ટાચારની નહેરોમાં વહી ગયું. એવું કોંગ્રેસે કહ્યું છે.
રાજ્ય સરકારે ગયા વર્ષે 2018માં 11 હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા. પાણીની સંગ્રહ ક્ષમતા કરતાં દોઢ ગણી વધારી હતી. 32 નદીઓને પુનઃ જીવંત કરવામાં આવી હતી. 13000 તળાવને ઊંડા કરવામાં આવ્યા હતા. જ્યારે 5500 કિલોમીટરની નેહરોની સાફ-સફાઈ કરી હતી, તેમજ પાઈપોના જે પાણી લીકેજ હતા તે પણ બંધ કરી દીધા હતા.
આ તમામ કામો બે લાખ લોકોનો શ્રમ તેમજ 15000 જેસીબી દ્વારા કરવામાં આવ્યા હતા. આમ છતાં આજની તારીખે રાજ્યના 11 હજાર ગામડાઓ અને નાના શહેરો પાણી માટે વલખા મારે છે. તો શું, 11 હજાર લાખ ઘનફૂટ પાણી હવામાં ઊડી ગયુ કે ભ્રષ્ટારમાં વહી ગયું.
મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે ભટકીને પાણી મેળવવા વલખા મારે છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવાની ફરજ પડી રહી છે. રાજ્યના અનેક ગામોમાં પાણી પહોંચાડવા ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
ભાજપ સરકાર જળવિતરણ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સદંતર નિષ્ફળ ગયું છે. દર વર્ષે કરોડો રૂપિયાના નામે પાણી યોજના, અને પાઈપલાઈન યોજનાઓ ભ્રષ્ટાચારની યોજનાઓ બની ગઈ છે. રાજ્ય સરકાર પણ આગ લાગે ત્યારે પાણી માટે યોજનાઓ બનાવે છે.