ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સીંગથી ગુજરાતના ૧૫ લાખ યુવાનોનું આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે. તો મધ્ય પ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટા ભરતી કૌભાંડ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાને જ પ્રમાણ પત્ર આપીને કહે છે કે મારી સરકાર પ્રમાણીક સરકાર છે.
ગુજરાતના નવ લાખ યુવાનો એ લોકરક્ષકની પરીક્ષા આપવા માટે કેટલાય દિવસો થી તૈયારીઓ કરી હતી. અને લોકરક્ષક ભરતીના પેપર ફૂટી ગયા છે માટે પરીક્ષા રદ કરવામાં આવે છે. નવ લાખ યુવાનોએ રાજય સરકારની બેદરકારીના કારણે રૂ.150 કરોડનું આર્થિક નુકશાન થયું. ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સીંગથી ગુજરાતના 15 લાખ યુવાનોનું આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે.
સરકારી ફીકસ પગારની વિવિધ વિભાગોમાં ભરતીઓમાં મોટા પાયે કૌભાંડ થયા છે જેની તપાસના આજદિન સુધી અહેવાલ નથી આવ્યા.
છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત પસંદગી મંડળ, સરકારી વિજ કંપનીઓમાં ભરતી, રાજય પરીક્ષા બોર્ડની ટેટ-ટાટ અને એચટાટની પરીક્ષાઓ, વિવિધ વિભાગોની સીધી ભરતી, મુખ્ય સેવિકા, નાયબ ચીટનીશ, સહિતની જાહેર પરીક્ષાઓમાં કરોડો રૂપિયાની લેતી-દેતી સાથે ગેરરીતિઓ આચરવામાં આવી છે જેની ફરીયાદ પણ રાજય સરકારમાં વારંવાર જે તે પરીક્ષાના પરીક્ષાર્થીઓએ પુરાવાઓ સાથે કરી હોવા છતાં ભાજપ સરકારે તેમના મળતિયાઓને બચાવવા માટે ભીનું સંકેલી લીધું છે.
રૂ. 15 લાખ આપીને હજારો લોકોએ પેપર ખરીદી કરી તલાટી ભરતી કૌભાંડ કર્યું હતું. સરકાર મોટા મગરમચ્છોને પુરાવાઓ હોવાછતાં કેમ પકડતી નથી ? મુખ્ય સેવિકા, નાયબ ચીટનીશની પરીક્ષામાં ગેરરીતિ અંગે વ્યાપક ફરીયાદો છતાં કેમ સરકાર ગંભીર બનતી નથી ? પીએસઆઈની ભરતીમાં થયેલાં કૌભાંડ અંગે કેમ કોઈ નક્કર પગલાં નહીં ? પોલીસ ઈન્સ્પેકટરની પ્રેકટીકલ પરીક્ષામાં બાયોમેટ્રીકમાં ગેરરીતિ અંગે કેમ પગલાં નહીં ? આણંદ-ખેડા સહિતના જીલ્લાઓમાં શિક્ષકોની નિમણુંકમાં ગેરરીતિ અંગે કેમ નક્કર પગલાં નહીં ? આ સરકાર પ્રમાણીક નથી. કદી કસૂરવારોના નામ, ચહેરા ઓળખાતા નથી? કેમ તેમને કદી કડક સજા નથી થતી ? વહીવટીતંત્રના મૂળમાં ક્યાં લૂણો લાગ્યો છે એ શોધવાનો અને તેને દૂરસ્ત કરવાનો તમે શું પ્રયાસ કર્યો ? ખોટા પ્રમાણપત્રો, નકલી પદવી, પરીક્ષામાં ગેરરીતિ, પેપર ફુટવા, મેરીટ યાદીમાં ગેરરીતિ સહિતના ભ્રષ્ટાચાર એ ભાજપ સરકારનો શિષ્ટાચાર બની ગયો છે. રૂપાણીની સરકાર અપ્રમાણીક છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું.