ઉત્તર ગુજરાતનો 70 ટકા વિસ્તાર અપુરતા વરસાદનો સામનો કરી રહેલો છે. ચોમાસુ સિઝનના ત્રણ માસમાં છૂટા છવાયા ઝાપટાથી 23 તાલુકામાં 10 ઈંચ વરસાદ પણ પડ્યો નથી. 5 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ રહ્યો છે, ઉત્તર ગુજરાતના પાટણ, મહેસણા અને બનાસકાંઠા જિલ્લામાં અર્ધ દુષ્કાળ શરૂ થયો છે. ગયા વર્ષે અહીં બેશુમાર વરસાદ પડ્યો હતો ત્યારે મુખ્ય પ્રધાને કમાન્ડો સાથે અહીં એક અઠવાડીયું રોકાવાનું નાટક કર્યું હતું. હવે આ સ્થળે અર્ધ દુષ્કાળ હોવા છતાં અહીં વિજય રૂપાણીની સરકાર લોકહિતમાં કોઈ પગલાં ભર્યા નથી અને તેઓ લોકસભાની ચૂંટણી જીતવા માટે કામે લાગી જઈને ઉદઘાટનો કરી રહ્યાં છે. તેમને પ્રજા પ્યારી નથી પણ રાજકારણ વહાલું છે. અહીંના ભાજપના નેતા શંકર ચૌધરી પણ ચૂપ છે તેઓએ સરકાર પર કોઈ દબાણ કર્યું નથી અને તેઓ લોકસભાની ટીકીટની માંગણી કરી રહ્યાં છે. જો અહીં આવું જ ચાલશે તો ભાજપે લોકસભાની બે બેઠક ગુમવવી પડશે.
70 ટકા વિસ્તાર અર્ધઅછત
મહેસાણા જિલ્લાના 10 માંથી 6, પાટણ જિલ્લાના 9માંથી 8, બનાસકાંઠા જિલ્લાના 14માંથી 9 તાલુકામાં ચોમાસાનો કૂલ વરસાદ 10 ઈંચ પણ નથી. ત્રણેય જિલ્લાનો સરેરાશ 70થી 75 ટકા વિસ્તાર અર્ધ દુષ્કાળ હેઠળ આવી ગયો છે. આમ ત્રણે જિલ્લાના 33 માંથી 23 તાલુકામાં અર્ધ દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. ચોમાસુ ઋતુની શરૂઆતથી અહીં ઓછો વરસાદ રહ્યો છે. વરસાદ નહિ પડતા જમીનમાં ભેજ નથી કે નદીમાં પાણી આવ્યા નથી. નદી- તળાવો ખાલીખમ ભેંકાર ભાસી રહ્યા છે. ઉત્તર ગુજરાતની વરસાદની અછત વચ્ચે જે પાક હતો તે પણ કરમાઈ રહ્યો છે.
માત્ર ચાર તાલુકા અછતગ્રસ્ત
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. બનાસકાંઠામાં વરસાદ થયો નથી ત્યારે માત્ર 4 તાલુકાઓ થરાદ, સુઇગામ, વાવ અને કાંકરેજ તાલુકાના અછતગ્રસ્ત જાહેર કરાતાં બાકીના તાલુકાના ખેડૂતોનો રોષ છે. ખેડૂત સંઘે સરકાર સામે બાંયો ચડાવી છે. સમગ્ર જિલ્લાને અછગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. દુષ્કાળ જેવી સ્થિતી છે ત્યારે જ ખેડૂતો માટે ખાતરનો ભાવ વધારી દીધો છે જે તુરંત ઘટાડા માંગણી કરી છે. 4 ઓક્ટોમ્બરે ખેડૂત રેલી કરીને પાલનપુર ખાતે ખેડૂતો રૂપાણી સરકાર સામે લડત શરૂ કરશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નથી. ત્યારે સમગ્ર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. જે પ્રકારે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું. કેનાલોમાં પાણી નથી છોડાઇ રહ્યું જેની સીધી અસર ખેડૂતોના પશુપાલન પણ અસર પડી છે.
બનાસ ડેરી દૂધનો ભાવ વધારે
બનાસડેરી દ્વારા ખેડૂતોના લીટરે 20 પૈસા મેડિકલ કોલેજ માટે શંકર ચૌધરી કપાવી રહ્યાં છે તે કાપવાનું બંધ કરી પહેલાંની જેમ 01 પૈસો કાપવો. શંકર ચૌધરીએ દૂધના ભાવ ઘટાડી દીધા છે તે તુરંત વધારી આપવા એવી માંગણી કરવામાં આવી રહી છે. આવી માંગો સાથે 4 ઓકટોમ્બરે સવારે 10 વાગે પાલનપુરના જી.ડી.મોદી કોલેજ પાસેથી વિશાળ રેલી યોજી લડતનો પ્રારંભ થશે.
દુષ્કાળમાં અધિક માસ, ખાતરમાં ભાવ વધારો
પેટ્રોલ ડીઝલના રોજે રોજ વધતા ભાવના કારણે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે ખાતરના ભાવમાં પણ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. એનપીકે ખાતરના ભાવમાં રૂ.60નો વધારો થતા 1340ના ભાવે મળતી 50 કિલોની બેગ હવે રૂ.1400 થઈ છે. એજ રીતે ડીએપી ખાતરના ભાવમાં પણ રૂ.60નો વધારો કરી દેવાયો છે. પોટાશ ખાતરમાં રૂ.230નો ભાવ વધારો થતાં બેગનો ભાવ રૂ.960 થઈ ગયો છે. પાલનપુરના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. ખાતરના ભાવમાં વધારો થવાથી એકલા બનાસકાંઠાના ખેડૂતો પર રૂ.150 કરોડનો વધારાનો આર્થિક બોજો પડ્યો છે.