ગાંધીનગર : ગુજરાત સરકાર જાહેર દેવું તો કરે છે પરંતુ તેનું જે વ્યાજ ભરે છે તેનાથી ત્રણ વર્ષમાં સિંચાઇ માટેના નર્મદા જેવા એક ડેમનું નિર્માણ થઇ શકે છે. રાજ્ય સરકાર પ્રતિવર્ષ 17 હજાર થી 18 હજાર કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવે છે. જેમાંથી સરકારી જમીન પર રૂ.1 લાખનું એક મકાન પ્રમાણે 18 લાખ મકાનો બને અને ખાનગી જમીન પર 1.80 લાખ મકાનો બની શકે છે.
દરેક નાગરિકે રોજ રૂ.3000નું વ્યાજ સરકારી દેવા પેટે ભરવું પડે છે. આમ સરકાર પ્રજાના કામ માટે જે નાણાં ખર્ચે છે તે વ્યાજે લીધેલા હોવાનું હવે સ્પષ્ટ થયું છે.
રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના સભ્ય પુંજા વંશે જાહેર દેવા અંગે પૂછેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે માર્ચ 2019ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને 240652 કરોડ રૂપિયા થયું છે. ગયા વર્ષ કરતાં દેવામાં અનેક ગણો વધારે છે. જે હવે 3 લાખ કરોડ બે વર્ષમાં થઈ જવાનું છે.
દેવા અન્વયે સરકાર કેટલું વ્યાજ ભોગવે છે તેવા પૂરક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2017-18માં સરકારે જાહેર દેવા સામે 17178 કરોડ રૂપિયા વ્યાજ ભર્યું છે જ્યારે 13701 કરોડ રૂપિયા મુદ્દલ ચૂકવી છે. એવી જ રીતે 2018-19ના નાણાકીય વર્ષ દરમ્યાન સરકારે 18124 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે અને 15440 મુદ્દલ ચૂકવી છે.
દેવાના વ્યાજ અંગે સરકારે લેખિત જવાબમાં કહ્યું હતું કે નાણાકીય સંસ્થાઓની લોન પેટે સરકાર 4.75 થી 8.75 ટકાનું વ્યાજ ચૂકવે છે. બજાર લોન પેટે 6.05 થી 9.75 ટકા વ્યાજ ચૂકવે છે. એ ઉપરાંત એનએસએસએફ લોન પેટે 9.50 ટકા થી 10.50 ટકા અને કેન્દ્રીય લોન પેટે 0.0 ટકા થી 13 ટકા સુધીનું વ્યાજ ચૂકવવામાં આવે છે.