રૂ.1500 કરોડનું નિકાસમાં બોગસ બિલિંગ કૌભાંડ

GST ના બોગસ બિલો બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવાના કૌભાંડની તપાસ તેજ બની રહી છે. રૂપિયા 1500 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં DRI અને CGST દ્વારા વિવિધ પોર્ટ પર આ કેસ સાથે જોડાયેલા 82 કન્ટેનર અટકાવી દેવાયા છે. અને તેની તપાસ થઇ રહી છે. કૌભાંડીઓએ નિકાસ કરવા 18 થી 28 ટકા જીએસટી લાગતો હોય એવી વસ્તુઓ સિલેક્ટ કરી હતી. અને કેટલાંક પોર્ટ પરથી ભંગાર અને પાંદડાંની નિકાસ કરીને કૌભાંડ આચર્યું છે. આ કેસમાં સુરતના નજીબ નામના શખ્સનો મોટો રોલ હોવાનું સામે આવ્યું છે. જે દિલ્હી અને સુરતના વેપારીઓના સંપર્કમાં હતો. કૌભાંડીઓ મોટા ભાગના સુરતના છે અને જુદી જુદી વસ્તુઓ વિદેશમાં નિકાસ કરવાના નામે સરકારમાંથી કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે.

અમદાવાદ ડીઆરઆઇના સૂત્રો કહી રહ્યાં છે કે કૌભાંડમાં ચક્કીવાલા ગ્રુપ આશંકાના ઘેરામાં છે. મુંબઇ, દિલ્હી,કોલક્તા અને સાઉથનાં રાજયોમાંથી તપાસ એજન્સીને કેટલીક વિગતો મળી છે. જેને આધારે ચક્કીવાલા ગ્રુપની તપાસ થઇ રહી છે. અહી કરોડો રૂપિયાના આ કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ છે કે નિકાસના નામે ખોટી વસ્તુઓ મોકલીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દેવાયો છે. ત્યારે શું ભ્રષ્ટ અધિકારીઓની સંડોવણી વગર આ વસ્તુ શક્ય છે ખરી ?