ઓક્ટોબર,૨૦૧૭માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઘોઘા દહેજ વચ્ચે પ્રથમ તબક્કાના રો રો ફેરી સર્વિસના
લોકાર્પણ બાદ આજ રોજ ઘોઘા ખાતે બીજા ચરણની રો-પેક્ષ સર્વિસને ફ્લેગ ઓફ આપ્યા બાદ મુખ્યમંત્રીશ્રી
વિજયભાઈ રૂપાણી સિમ્ફની વોયેજ કાર્ગો શિપમાં સવાર થઇ દહેજ ટર્મિનલ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે
ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં રો-પેક્સ ફેરી સર્વિસના
રૂપમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સૌને પોષણક્ષમ અને સરળ સી ટ્રાન્સપોર્ટેશનનું
સપનું આજે સાકાર થઇ રહ્યું છે.
શ્રી રૂપાણીએ ગુજરાતના વિશાળ દરિયાકિનારાનો ઉપયોગ કરી દરિયાઈ વાહન વ્યવહારને ઉત્તેજન આપી
‘ફાસ્ટટ્રેક ટ્રાન્સપોર્ટેશન, ફાસ્ટટ્રેક ગુજરાત’ના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ઘોઘા દહેજ
રો-રો પેક્ષ સર્વિસના પ્રારંભના અવસરે ભાવિ આયોજનની જાહેરાત કરતા કહ્યું કે, આગામી ડિસેમ્બર,૨૦૧૮ સુધીમાં
સુરતના હજીરાથી ઘોઘાની રો રો સેવા પણ રાજ્ય સરકાર શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેનો લાભ
સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રીયન નાગરિકોને વતન જવા માટે મળશે.
રાજ્ય સરકાર સડકમાર્ગના ટ્રાફિકનું ભારણ ઓછું કરવા ગુજરાતના દરિયાઈ વ્યવહારનો ભરપૂર વિકાસ કરી
રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને દરિયાઈ માર્ગે જોડવા માટે ઘોઘા-દહેજ રોલ ઓન-રોલ ઓફ સર્વિસમાં મુસાફરો
અને માલ વાહન પરિવહન માટેની મહત્વાકાંક્ષી રો-પેક્ષ સેવાના લોકાર્પણથી મુસાફરો સાથે ભારે વાહનોનો સમય,
ઇંધણ અને નાણાની અનેકગણી બચત થશે એમ તેમણે ઉમેર્યું હતું. તા.૨૮મીથી ફેરી સર્વિસ માટે ઓનલાઈન બુકીંગનો
પણ પ્રારંભ થનાર છે. ગુજરાતના દરિયામાં વિકાસના વાવટા ફરકતા હતા, જેનું આજે રો-પેક્ષ સેવાના રૂપમાં
પુનરાવર્તન થયું છે એમ ગર્વભેર જણાવ્યું હતું. આ રો-રો સેવાઓને પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાઈ વ્યાપારને સરળ,
ઝડપી અને સુવિધાયુક્ત યાતાયાતને ગતિ મળશે.
નોંધનીય છે કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને આઈ.એસ.પી.એલ. ના સહયોગથી સાકાર થયેલી રો-રો અને
રો-પેક્ષ ફેરી સર્વિસના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું સડક માર્ગનું ૧૨ કલાકનું નું અંતર ઘટીને દોઢ કલાક
થઈ જશે.