ઇબ્રાહિમ પટેલ
મુંબઈ તા. ૧૯: ભારતીય કરન્સી ટ્રેડરોને એવો ભય છે કે ભારત કરતા લંડન કરન્સી બજારમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ખુબ મોટાપાયે વધી ગયું છે, તેથી રૂપિયો અસ્થિર બનવાનો ભય છે. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેનટ્સ (બીઆઈએસ)એ કરેલા ઇન્ટરનલ કરન્સી સર્વેમાં એ સ્પષ્ટ થયું હતું કે ભારતમાં રોજીંદા ધોરણે રૂપિયાનું ટ્રેડીંગ ૩૫ અબજ ડોલર થાય છે, તેની સામે લંડન બજારમાં આવો ટ્રેડ ૪૭ અબજ ડોલરનો થાય છે. આનો અર્થ એ થાય કે ભારતીય રૂપિયાનો કરન્સી વેપાર, ભારત કરતા ૭૩ ટકા વધુ ઓફસોર (દરિયાપારના દેશમાં) કરન્સી કેરી ટ્રેડમાં (આ એક એવો વ્યુહાત્મક વેપાર છે, જેમાં વધુ યીલ્ડ આપતી કરન્સી ફંડ ઓછું યીલ્ડ આપતી કરન્સીમાં ઠલવાય છે) થાય છે. ત્રણ વર્ષ અગાઉ આવો ઓફસોર કેરી ટ્રેડ ૫૬ ટકા હતો.
કરન્સી કેરી ટ્રેડ એવા સોદા છે જ્યારે ભારતીય કરન્સી સ્થાનિક બજાર સિવાય વિદેશમાં ક્યાય ફીઝીકલ ડીલીવરેબલ નથી, તેમ છતાં વિદેશી રોકાણકારો નોન-ડીલીવરેબલ ફોરવર્ડ કોન્ટ્રેક્ટમાં (ભારતીય સટ્ટોડીયા જેને ટૂંકમાં કબાલા કહે છે) સોદા પાડતા હોય છે, આવા સોદા થકી રોકાણકાર રૂપિયાના દિશાદોર કેવા રહેશે તે નિર્ધારિત કરી શકે છે. લેનાર અને વેચનાર વચ્ચે નિશ્ચિત તારીખના નિર્ધારિત થયેલા ભાવનાં સોદા બાદ, કબાલો પાકવાની તારીખે જે ભાવ હોય તે ભાવ સામે આવતો તફાવત સામે ડોલર ટર્મમાં આવા સોદાનું સેટલમેન્ટ કરી નાખવામાં આવે છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ જોહન એફ કેનેડી તેમના નાગરિકોને કહેતા કરન્સી તમારી માટે શુ કરી શકે છે? તે ન પૂછો, તમે કરન્સી માટે તમે શુ કર્યું તે કહો.
જગતભરમાં ક્યાય પણ આર્થિક નીતિવિષયક નિર્ણય લેવાય તેના વ્યાપક પ્રતિભાવ ભારતીય રૂપિયા પર પાડવા અનિવાર્ય છે. અમેરિકન ફેડ રીઝર્વનાં વ્યાજદર બદલાવ, ચાઈનીસ યુઆનની તેજી મંદી, ધીમો ગ્લોબલ વિકાસદર, ઇક્વિટી બજારમાંથી વિદેશી મૂડીનું બાષ્પીભવન અને આવા અન્ય કારણોસર રૂપિયાને ઉથલપાથલનો સામનો કરવાનો આવશે. હવે ક્રુડ ઓઇલના ભાવની ચઢઉતર રૂપિયાને નચાવશે. તાજેતરની આ બધી ઘટનાઓએ ટ્રેડરોને ચિંતામાં મૂકી દીધા છે. આથી હવે સામાન્ય નાગરિકોએ ખિસ્સા ટાઈટ કરવાના આવશે. ક્રુડ ઓઈલની અછત ન સર્જાય તે હેતુથી સાઉદી અરેબિયા તેના અનામત ઓઇલના વાલ ખોલી નાખશે. અમેરિકા પણ તેના વ્યુહાત્મક સ્ટોકના નળ ખોલવા તૈયાર છે, તેથી ક્રુડના ભાવ થોડા અંકુશમાં રહેશે.
છેલ્લા ૧૦ વર્ષમાં છ વખત જાગતિક મંદી આવી હોય કે વિકાસદર ધીમો પડ્યો હોય ત્યારે વર્ષાનું વર્ષ ૮ વખત ક્રુડ ઓઇલના ભાવ ૧૦૦ ટકા વધ્યાની ઘટના બની છે. પણ આ વખતે પશ્ચિમ એશિયામાં મંડાયેલા વોર સ્ટેજ વખતે કરન્સી બજાર કઈ રીતે વર્તશે તે હજુ નિશ્ચિત નથી. બુધવારે રૂપિયો ૭૧.૫૨ અને ૭૧.૨૨ વચ્ચે અથડાયો હતો. ભારત સરકારનાં ૧૦ વર્ષિય બોન્ડનું યીલ્ડ ૬.૭૩ ટકા આગલા બંધથી ઘટીને ૬.૬૭ ટકા રહ્યું હતું. બોન્ડ યીલ્ડ અને રૂપિયો સામસામા પ્રવાહે વર્તતા હોય છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો ૨.૫ ટકા નબળો પડ્યો છે, વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી ૬.૬૮ અબજ ડોલર અને ડેટ માર્કેટમાંથી ૪.૩૫ અબજ ડોલર પાછાં ખેંચી લીધા છે.
રાજકીય અશાંતિનું જોખમ કેટલુ વકરે છે, તે જોવાનું રોકાણકારો પસંદ કરતા હોવાથી, ક્રુડનાં ભાવની મોટી ઉછળકુદ થઇ હોવા છતાં બોન્ડ અને કરન્સી બજાર પ્રમાણમાં શાંત રહી છે. ભારત માથે બાહ્ય દેવાનો બોજો, ખાસ કરીને પોતાની ખાનગી ખાતાવહીમાં ખુબ મોટો ૫૪૩ અબજ ડોલરનો હોવાથી, કરન્સી બજારમાં રૂપિયા સામે મોટું જોખમ ઉભું થશે ત્યારે રીઝર્વ બેંકને તંગદોર પર નર્તન કરવાનું આવશે. કરન્સી ટ્રેડરોનું ધ્યાન હવે ચીન અમેરિકા વચ્ચેના ટ્રેડ વોર સમાધાનની વાટાઘાટો પર રહેશે.