લસણનાં ભાવ ન મળતાં રાજ્યભરમાં શરૂ થયો ઉગ્ર વિરોધ

ખેડૂતોની હામી કહેવાતી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને પડી રહેલી હાલાંકીને કારણે દિવસે દિવસે ખેડૂતો દ્વાર વિવિધ મુદ્દાઓને લઈને રાજ્યમાં ઠેર ઠેર આંદોલન ચાલી રહ્યાં છે. થોડાં સમય પહેલાં હાર્દિક પટેલે ગુજરાતનાં ખેડૂતોનાં દેવાં માફીને લઈને આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉપાડ્યું હતું. પરંતુ, રાજ્ય સરકારનાં પેટનું પાણી પણ હાલ્યું નહોતું. આ ઉપરાંત કોગ્રેસ દ્વારા પણ આક્રોશ રેલી યોજીને સરકારની વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યાં હતાં. ત્યારે હવે રાજ્યમાં લસણ પકવતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોની સ્થિતિ વધુ વણસી રહી છે. આ સંજોગોમાં રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લસણનાં ખેડૂતોનાં સમર્થનમાં એક અનોખી રેલી યોજીને ધોરાજીવાસીઓને મફતમાં લસણ વહેંચ્યું હતું.
આજે સવારે ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયા એક નવા અવતારમાં જોવા મળ્યાં. તેઓ પોતે લસણ ભરેલી રેંકડીને ધક્કો મારીને ખેડૂતો અને પોતાનાં સમર્થકો સાથે ધોરાજીનાં બજારમાં પહોંચ્યાં જ્યાં તેમણે પોતે સ્થાનિક લોકોને લસણ મફતમાં આપવાની શરૂઆત કરી હતી. તેમની રેંકડીમાં લસણ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર વિરૂદ્ધનાં બેનર્સ પણ હતાં. આ કરવા અંગેનું કારણ પૂછતાં લલિત વસોયાએ કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સમસ્યાને દૂર કરવાનાં બદલે વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ખેડૂતોને વિવિધ શાકભાજી અને અનાજમાં પોષણક્ષમ ભાવ નહોતાં મળતાં. ત્યારે હવે છેલ્લાં કેટલાંક સમયથી લસણ પકવતાં ખેડૂતોને માથે ઘાત બેઠી છે. આ ખેડૂતો દ્વારા જે લસણ ઉત્પાદન કરવા પાછળ જે ખર્ચો થાય છે તેનાં કરતાં પણ ઓછો ભાવ વેપારીઓ આપી રહ્યાં છે. સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવાં છતાં આ સરકાર ખેડૂતોનાં હિતની વાત કરતી નથી અને અન્ય ખેડૂતોની માફક લસણ પકવતાં ખેડૂતોની હાલત પણ અત્યારે ખરાબ બની ગઈ છે. તેઓ પણ મોટાં દેવાંનાં ડૂંગરતળે દબાઈ રહ્યાં છે. આ સંજોગોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેની લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અનાજ માટે થોડાં મહિનાઓ પહેલાં ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવ્યાં હતાં. પરંતુ, શાકભાજી પકવતાં ખેડૂતોની અનેકવારની માગણી હોવા છતાં પણ તેમને પોષણક્ષમ ભાવ આપવામાં આવતાં ન હોવાનાં કારણે આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બને તો નવાઈ નહિ