લસણ, ડુંગળી, આદુ ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં કરોડો રૂપિયાના રોકાણની વર્ષ-2009માં સંતરામપુર ખાતે ખાત મુહુર્ત કરનાર ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પાસે ગુજરાતના લસણ, ડુંગળી, આદુ સહીત શાકભાજી પકવનાર ખેડૂતો જવાબ માંગી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી લસણ, ડુંગળી, આદુ, બટાકા અને શાકભાજી પકવનાર ખેડૂતો માટે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી લસણ, ડુંગળી, આદુ, બટાકા સહિતના પાકો પકવનાર ખેડૂતો રાત દિવસ સુધી મહેનત કરીને મોંઘો પાક પેદા કરે છે, ત્યાર બાદ મોંઘા પાકના બજારમાં વેચાણ કરવા જાય ત્યારે સાવ નજીવા નાણા મળે છે. 1 કિલો લસણના 75 પૈસાથી રૂ.1 મળી રહ્યા છે. ડુંગળી, બટાકા ખેડૂતોને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાના નાણા પણ મળતા નથી. 17 જાન્યુઆરી 2009, શનિવારના રોજ સવારે 11 કલાકે સંતરામપુર ખાતે તત્કાલીન મુખ્યમંત્રીએ લસણ, ડુંગળી, આદુ ડીહાઈડ્રેશન પ્લાન્ટનું ખાત મુહુર્ત કર્યું હતું. 114 મહિના કરતાં વધુ સમય વીતી ગયો છતાં આજે ત્યાં ખુલ્લું ખેતર છે અને રૂ.1નું રોકાણ પણ નથી, ગુજરાતના લસણ, ડુંગળી, આદુ પકવતાં ખેડૂતો ભાજપા સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે.