લેભાગુ કંપની જીવનસેવાના સંચાલકો-એજન્ટ સામે ગુનો નોંધાયો

લોભામણી સ્કીમ રજૂ કરી લોકોને રોકાણ કરાવી કરોડો રૂપિયાની છેતરપીંડી ઠગાઈ કરનાર ગેંગના ચાર સાગરીતોને રખિયાલ પોલીસે ઝડપી લીધા છે. રખિયાલ પોલીસ સ્ટેશનમાં વેપારી મહિલાએ છેતરપીંડી અને ઠગાઈ આચરનાર જીવનસેવા કંપનીના સંચાલકો અને એજન્ટ સામે ગુનો નોંધાવ્યો હતો. રાજ્યભરમાં શાખાઓ ખોલીને લોકોને લોભામણી લાલચો આપી કરોડો રૂપિયાનું રોકાણ કરી છેતરપીંડી ઠગાઈ આચરવાના કાવતરાની પોલીસે તપાસ હાથ ધરી છે.
લોકોને લોભામણી લાલચો આપી રોકાણ કરાવીને કરોડો રૂપિયાની છેતરપીંડી-ઠગાઈ આચરતી લેભાગુ કંપનીમાં વધુ એક ઉમેરો થયો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં દુકાન ધરાવતી બબીતા રાવત નામની મહિલા પાસે રવિ નામનો શખ્સ આવ્યો હતો. જે શખ્સે જીવનસેવા કંપની દ્વારા વિવિધ સ્કીમ રજૂ કરી હતી. જેમાં જુદાજુદા સ્લેબ પ્રમાણે રોકાણ કરનારને કમિશન ઉપરાંત આકર્ષક વળતર મળશે તેવી રજૂઆત કરી હતી. આથી બબીતા રાવતે અંદાજે બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત બબીતાબહેનને ગોધરા અને વડોદરા ખાતે લઈ જવાયા હતા. જ્યાં કંપનીની જુદીજુદી આકર્ષક સ્કીમ બતાવી વધુ રોકાણ કરવા અને અન્ય લોકોને રોકણ કરવાથી તગડું કમિશન આપવાની લાલચ આપી હતી.
જીવનસેવા કંપની લેભાગુ હોવાની અને લોકો સાથે રોકાણ કરાવી છેતરપીંડી ઠગાઈ આચરતી હોવાનું માલુમ પડતાં બબીતા રાવતે રખિયાલ પોલીસ સ્ટેશનમાં રહીશ લબાના, સંદિપ બહેરાત, અમઝદઅલી હાસમી, શિતલ રવિકદમ, મુસ્તાક શેખ અને ઈન્દ્રજીત પ્રજાપતિ નામના શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. રખિયાલ પોલીસે ચાર શખ્સની ધરપકડ કરી હતી. એક શખ્સને લઈ પોલીસ વધુ તપાસ માટે વડોદરા અને ગોધરા જવા રવાના થઈ છે. પોલીસને શંકા છે કે કૌભાંડનો આંક કરોડો રૂપિયાથી વધુ પર પહોંચી શકે છે. હજુ પણ લોભામણી સ્કીમની લાલચમાં આવીને છેતરપીંડી ઠગાઈનો ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા માટે આવી રહ્યા છે