લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં બેઠકોનો દૌર, કોંગ્રેસની મળી રહી છે મંથન બેઠક

2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આરંભી દેવાઈ છે. ગુજરાતમાં પણ છેલ્લાં એક મહિનાથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાનાં પક્ષનાં વિવિધ હોદ્દેદારોની બેઠકોનો દૌર ચાલી રહ્યો છે અને લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડાઈ રહી છે.
બન્ને પક્ષને પોતાનો આંતરિક કલહ પરેશાન કરી રહ્યો છે. કેમ કે, લોકસભાની ચૂંટણી માટે ભાજપનાં કેટલાંક વર્તમાન સાંસદોનાં પત્તાં કપાય એવી શક્યતા છે, ત્યારે પોતાની ટિકીટ ન કપાય તે માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દેવાયું છે.
તો બીજી બાજુ કોંગ્રેસમાં યુવાનોને સંગઠનની કામગીરી સોંપીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટો જુગાર ખેલ્યો છે. પરંતુ, આ યુવાન નેતાઓ વચ્ચે પણ ભારે ખેંચતાણ ચાલી રહી છે, જેનાં કારણે નવા સંગઠનની જાહેરાત હજુ સુધી થઈ શકી નથી. પ્રદેશ કોંગ્રેસ નેતાઓ વચ્ચેનાં આ ખટરાગને દૂર કરવા તાજેતરમાં જ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશનાં નેતાઓ તેમ જ જિલ્લા તાલુકા કોંગ્રેસનાં હોદ્દેદારો સાથે દિલ્હીમાં 26મી સપ્ટેમ્બરે એક બેઠક કરીને તમામને પોતાનાં મતભેદો ભૂલાવીને એકજૂથ થઈને કામ કરવાનો આદેશ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યો છે. પરંતુ, શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવત અહીં યથાર્થ થતી જોવા મળી રહી છે. કેમ કે, કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી વચ્ચે મતભેદો લોકોને આંખે ઊડીને દેખાઈ રહ્યો છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પક્ષમાં હાલમાં ફંડની અછત સર્જાઈ છે ત્યારે આવનારા દિવસોમાં ફંડ કેવી રીતે મેળવવું તે માટેની પ્રદેશ હોદ્દેદારોની એક બેઠક મળશે. જોકે, ઓલ ઈન્ડિયા કોંગ્રેસનાં ખજાનચી તરીકે અહેમદ પટેલે ધૂરા સંભાળી છે તેના કારણે આ સમસ્યાનો ખૂબ જલ્દી અંત આવી જશે એવો આશાવાદ કોંગ્રેસની નેતાગીરીમાં જોવા મળી રહ્યો છે.
આગામી સમયમાં ફરી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા કોંગ્રેસે કમર કસી છે અને આજે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાએ અગત્યની બેઠક બોલાવી છે. કોંગ્રેસના ટુ-જી જનસંપર્ક અભિયાનને લઈને તમામ ઝોનલ ઈન્ચાર્જની અમિત ચાવડાએ બેઠક બોલાવી છે. આ સિવાય રાજ્યના તમામ જિલ્લા નિરીક્ષકોની પણ બોલાવી બેઠક પણ યોજાશે. આ પહેલા બુધવારે અમિત ચાવડાએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી અને આ બેઠક બાદ આજે પહેલી બેઠક મળવા જઈ રહી છે. જેમાં લોકસંપર્ક અભિયાનને સફળ બનાવવા પર મંથન થશે. તો ફંડ એકઠુ કરવા અંગે પણ બેઠકમાં આયોજન થશે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 79 બેઠકો પર જીત મેળવીને ભાજપની 150 પ્લસ બેઠકો જીતવાનાં સપનાંને ચકનાચૂર કરી દીધું હતું, ત્યારે એ જોશ સાથે કોંગ્રેસ આવનારી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો હાલમાં કબ્જો છે ત્યારે આવનારી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ પાસેથી બેઠકો આંચકી લે છે કે પછી ભાજપ 26 બેઠકો પૂનઃ જીતીને કોંગ્રેસને તમાચો મારે છે તે તો આવનારો સમય જ કહેશે.