એનસીપીના ચીફ શરદ પવારે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના યુતિ કરે તેવી શક્યતા છે, પરંતુ વિધાનસભાી ચૂંટણી બન્ને સાથે લડશે નહીં.
પત્રકારો સાથે વાત કરતા પવારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાવાની શક્યતાઓને પણ નકારી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઈચ્છતી હતી કે સાથે થાય, પરંતુ હાલમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પવારે એવીએમની વિશ્ર્વસનીયતા અંગે પણ જણાવ્યું હતું કે બૅલટ પેપરનો ઉપયોગ થાય તે વધારે આવશ્યક છે. આ વિષય અંગે ચર્ચા કરવા માટે વિરોધપક્ષો પંદર દિવસમાં બેઠક યોજશે, તેમ પણ પવારે જણાવ્યું હતુ. પવારે રાફેલ ડીલની તપાસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા થવી જોઈએ તેવી ફરી માગ કરી હતી. ૧૯૮૦માં બૉફર્સ ડીલમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસની માગ ભાજપે કરી હતી, તે પણ તેમણે યાદ અપાવ્યું હતું અને તેમની માગને સ્વીકારવામાં આવી હતી તે રીતે હાલમાં પણ રાફેલ ડીલની તપાસની માગને સ્વીકારવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું. થોડા સમય પહેલા એક ટીવી ઈન્ટરવ્યૂમાં પવારે મોદીના ઈરાદા પર જનતાને શક નથી, તેવું નિવેદન રાફેલ ડીલ મામલે આપ્યા બાદ વિવાદ સર્જાયો હતો.