ર૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે. કેસરીયા બ્રિગેડના ગઢ સમાન ગુજરાતમાં પણ હાલમાં જ ચિંતન શિબિર યોજી વિરોધીઓને પરાસ્ત કરવાની રણનીતિ ઘડાઈ હતી. રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ લોકસભા પૂર્વે રાજકીય ભૂકંપ લાવવા ભાજપ સજ્જ બન્યો છે. વિશ્વાસપાત્ર રાજકીય સૂત્રોમાંથી રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા કેસરીયો કરે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે, તો તેમના પતિ ભચુભાઈને જ કમળના નિશાન પરથી પેટા ચૂંટણી લડાવવાનો તખ્તો પણ ઘડાઈ ચૂક્યો હોવાનું મનાય છે.
રાજકીય ગલીયારીઓમાં ચાલતી ચર્ચાઓની વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપમાં રણનીતિકારોની ફોજ છે અને તે તમામ પક્ષના ચાણક્ય લેખાતા રાજકીય અધ્યક્ષ અમીત શાહના ઈશારા પર ચાલે છે. લોકસભા આગામીક ચૂંટણીને આશરે હજુ દસેક મહિના જેટલો સમય હોવા છતાં ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ર૦૧૪ની જ્વલંત સફળતાના પુનરાવર્તન માટે અત્યારથી એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે, પરંતુ ભાજપના મોભીઓ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ અંદરખાને જણાયું છે કે, ભાજપ તરફી હવા હવે પહેલા જેવી રહી નથી. ગત લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ર૬ બેઠકો ભાજપે કબજે કરી સપાટો બોલાવી દીધો હતો. જોકે, ત્યાર બાદથી રાજ્યમાં ભાજપની સ્થિતિ નબળી પડતી ગઈ છે. ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપની બેઠકોમાં ભારે ઘટાડો થયો હતોે. ખાતા વહેંચણી મુદ્દે ફેલાયેલી નારાજગીની આગ હજુ પણ થોડા- થોડા સમયે ભડકો કરતી હોય છે. ભાજપમાં શરૂ થયેલા આંતરીક વિખવાદો લોકસભામાં પક્ષને મોટું નુકશાન ન કરે તે માટે પક્ષ તરફી વાતાવરણ સર્જાવા ખુદ રાષ્ટ્રીય પ્રમુખે કમાન સંભાળી છે. ચિંતન શિબિર માટે અમીત શાહ ગુજરાત આવ્યા તેની સાથે જ રાજકોટ કોંગ્રેસમાં ઉથલ- પાથલ થઈ ગઈ. કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂજીએ રાજીનામું આપી મોટો અપસેટ સર્જી દીધો છે. પંજાના અન્ય નેતાઓ પણ ભાજપના સંપર્કમાં જણાઈ રહ્યા છે ત્યારે આ રાજરમતથી સરહદી કચ્છ જિલ્લો પણ બાકાત રહ્યો નથી.ગત લોકસભા ચૂંટણી વખતે રાપર અને અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. રાપર બેઠકના ભાજપના ધારાસભ્ય વાઘજીભાઈ પટેલના આકસ્મિક નિધન તેમજ અબડાસા બેઠકના કોંગી ધરાસભ્ય છબીલભાઈ પટેલના પક્ષ પલટાથી પેટા ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ફરી રાપર બેઠક પર પેટા ચૂંટણી લડાય તો નવી નવાઈ નહી કહેવાય.આ સૂત્રોનું માનીએ તો રાપરના ધારાસભ્ય પક્ષ પલટો કરે તે માટે ભાજપના મોવડીઓ દ્વારા પ્રયાસો આરંભી દેવામાં આવ્યા છે તેમજ તેમના પતિ ભચુભાઈ આરેઠિયાને કમળના નિશાન પર પેટા ચૂંટણી લડાવવાની રણનીતિ ઘડાઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયતોના હોદ્દેદારોની વરણીને લઈને કચ્છના પટેલોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેનો પડઘો લોકસભા ચૂંટણીમાં પણ પડી શકે તેમ છે. પટેલોની નારાજગી દૂર કરવા માટે ભચુભાઈ આરેઠિયાને પેટા ચૂંટણી લડાવી વિધાનસભામાં લઈ જવાનું આયોજન છે.
આ બાબતે રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતી ભચુભાઈ આરેઠીયાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, ચૂંટણી આવે એટલે ભાજપના ભુવાઓ ધુણવાનું શરૂ કરી દેતા હોય છે. હાલમાં જે ચર્ચા કરાઈ રહી છે તે પણ તેનો જ ભાગ લાગી રહ્યો છે. ભાજપનાભુવાઓ ખોટી રીતે ઘુણે છે માટે તેઓને અપપ્રચાર કરતા પણ આવડતો નથી. રાપરની બેઠકમાથી કોંગ્રેસના ઉમેદવારને ભાજપમાં લઈ જઈ અને ભચુભાઈને લોકસભાની ટીકીટ અહીથી આપવાની વાતો વહેતી કરતા હોય તો સમજી લેવાની જરૂરી છે કે, કચ્છની બેઠક તો અનુસુચિત જનજાતી માટે અનામત છે તેમાં લેઉઆ પટેલ ઉમેદવાર કઈ રીતે આવી શકે? ઉપરાંત ભચુભાઈની જન્મ-કર્મભુર્મિ વાગડ રહી છે તો તેઓને રાજયમાં અન્યત્ર ચૂંટણી લડાવવાની રણનીતી કેટલી કારગત નીવડે? ભચુભાઈએ આવા અણીયાણા સવાલો કરી અને ભાજપ માત્ર અને માત્ર જુઠ્ઠાઓભરી વાતો ફેલાવી રહી છે. આ વાતમાં કોઈ જ તથ્ય ન હોવાનુ તેઓએ જણાવવી અને રાપર વિધાનસભા મતવિસ્તારની પ્રજાએ તેમને જે મેન્ડેટ આપ્યો છે તેનાપર જ તેઓ સદાય સેવારત રહેશે તેવો વિશ્વાસપૂર્વકનો રણકાર વ્યકત કર્યો હતો.