લોકસભા માટે BJPમાં દાવેદારી અને કાપાકાપીની હોડ

‘હરીભાઇ ચૌધરી પાટણથી હારી જાય એમ હતા, એટલે મેં બનાસકાંઠા ખાલી કરી હતી, હવે એના ઉપર મારો હક્ક છે’ પાટણ સાંસદ લીલાધર વાઘેલા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેક વખત સરકારની કામગીરી અંગે નારાજગી જાહેર કરી ચૂક્યા છે : અસંતુષ્ટોને વિરોધી અવાજ ભાજપની બોલતી નબળાઈ તો નથી ને? કોંગ્રેસીઓને હજુય લેવામાં આવશે તો બાગી તેવર ભાજપમાં ઓર જોરશોરથી વધશે

અડધા ચહેરા બદલશે : વિધાનસભામાં ભાજપને સૌરાષ્ટ્રમાં પડયો હતો મોટો ફટકો : ઉત્તર-મધ્ય ગુજરાતમાં અપેક્ષા પ્રમાણે નહોતી મળી બેઠક

ર૬ બેઠકો જાળવવાનો છે પડકાર
આમ, આ વખતની ચૂંટણીમાં ભાજપ નેતૃત્વ ૨૬ બેઠકો પૈકીના અડધાથી વધારે ચહેરા બદલશે એવા સંકેતો મળી રહ્યા છે. અહીં નોંધવુ જરૂરી છે કે, ભાજપ માટે ગુજરાતની તમામ ૨૬ બેઠકોને અકબંધ રાખવાનો મોટો પડકાર છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપને સૌરાષ્ટ્રમાં સારો એવો ફટકો પડ્‌યો હતો. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અપેક્ષા પ્રમાણે બેઠકો મળી ન હતી. આ સંજોગોમાં વડોદરા, સુરત જેવા મહાનગરોએ ભાજપની આબરું જાળવી હતી.

૮થી૧૦ બેઠકો પર ફટકો પડવાની વકી
ગાંધીનગર : ત્યારે ભાજપને દેખિતી રીતે આઠથી દસ જેટલી લોકસભા બેઠકો પર ફટકો પડી શકે એમ હોવાથી રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રદેશ એકમને નવેસરથી ઘર ચલો અભિયાન પર ફોકસ કરી બુથ સમિતિઓ, શક્તિ કેન્દ્રો સુધીના માઇક્રો મેનેજમેન્ટને પુનર્ગઠિત કરવા સૂચના આપી છે. અલબત્ત, હજુ સુધી આ દિશામાં કાર્યવાહી શરૂ થઇ નથી.

આ જ સ્થિતિ ભાજપને નડશે
હાલ સંગઠન અને સરકાર સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના પૂર પીડિત વિસ્તારોમાં પરિસ્થિતિ થાળે પડે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અલબત્ત, આ જ સ્થિતિ ભાજપને નડશે એમ કહી સૌરાષ્ટ્રના આગેવાનો કહી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ખેડૂતોનો રોષ થાળે પાડવા માટે મગફળી-કપાસની ખરીદી માટે આગોતરી જાહેરાત કરી હતી. એમ છતાંય તેનો ફાયદો ભાજપને થયો નહતો. હવે પૂર અને વરસાદી પાણીના કારણે સર્જાયેલી ખસ્તા હાલત લોકોની માનસિકતાને વધુ અસર કરશે.

ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૯ની ચૂંટણીઓ માટે પ્રદેશ એકમને કાર્યરત કરી દીધું છે. તો તેની સાથે સાથે હાલમાં જીતેલા તમામ ૨૬ સાંસદોએ તેમની ટિકિટ ફરીવાર પાક્કી કરાવવા લોબિંગ પણ શરૂ કરી દીધું છે. આ સાંસદો એટલા માટે ટિકિટ યથાવત રાખવા લોબિંગ કરે છે કારણ કે રાષ્ટ્રીય સ્તરે આગામી ચૂંટણીમાં અડધો અડધ ચહેરાઓ બદલવા અંગે વિચારણા ચાલી રહી છે. આવા સંજોગોમાં નવા ચહેરાઓ પણ ટિકિટ માટે પાર્ટીમાં ગોડફાધરની શોધમાંલાગી લોબિંગ કરવા લાગ્યા છે. આ ધમાસાણ વચ્ચે કેટલીક બેઠકો પર જૂના જોગીઓએ પોતાના હક્ક દાવા જાહેર કરતાં સમગ્ર સ્થિતિમાં નવો વળાંક આવ્યો છે.
અગાઉ પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ૨૦૧૯ માટે પોતાની દાવેદારીનો પુનરોચ્ચાર કર્યો છે. હવે પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ પોતાની જૂની બેઠક બનાસકાંઠાની બેઠક પર હક્ક જાહેર કર્યો છે. આને કારણે મોદી સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી તરીકે હવાલો સંભાળતા હરીભાઇ ચૌધરી માટે ચિંતાનો વિષય બન્યો છે. વાઘેલાએ મીડિયા સમક્ષ પોતાની માગણી અને લાગણીને જાહેર કરતાં સ્પષ્ટ કર્યું છે કે, અગાઉની ચૂંટણી વેળાએ હરીભાઇ ચૌધરી પાટણથી જીતી શકે એમ ન હોવાથી મેં બનાસકાંઠા બેઠક એમના માટે ખાલી કરી હતી. પરંતુ હવે એના ઉપર મારો હક્ક છે. તેમણે પોતાની વાતના સમર્થનમાં ૨૦૧૪ની ચૂંટણી વખતે હરિભાઇ અને ભાજપે આપેલા કમિટમેન્ટે ટાંક્યું હતું. તેમણે કહ્યું કે, ‘એ વખતે મને હરિભાઇ અને પાર્ટીએ કમિટમેન્ટ આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમને બનાસકાંઠાથી તક અપાશે. હવે તેઓ અને પાર્ટી બંને બનાસકાંઠાની ટિકિટ મને આપવા વિનંતી કરશે.’
અહીં નોંધવુ જરૂરી છે કે, વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી વખતે પાટણ સાંસદ લીલાધર વાઘેલાએ પોતાના પુત્ર માટે ટિકિટ માગી હતી. એ વખતે ટિકિટ ન મળે તો પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. અલબત્ત, ભાજપે ટિકિટ આપી ન હતી. આ જ રીતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ૨૦૧૬માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારમાં પોતાની વાત સાંભળવામાં નહીં આવતી હોવાની ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો. જોકે, એ પત્ર મીડિયામાં જાહેર થયો એના થોડાક જ સપ્તાહમાં એમને કેન્દ્રીય મંત્રી પદેથી ખસેડી જશવંતસિંહ ભાભોરને મંત્રી બનાવાયા હતા. આ પછી તેઓ બે વખત જાહેરમાં ભાજપ સરકારની કામગીરીને વખોડી ચૂક્યા છે. જ્યારે વલસાડના સાંસદ કે.સી. પટેલે પોતાને કોઇ યુવતીએ હની ટ્રેપમાં ફસાવ્યાની ફરિયાદ કરી હતી. અને તેઓ આના કારણે વિવાદમાં આવ્યા છે. હાલ તેઓ દિલ્હીમાં સારવાર હેઠળ છે