સામાન્ય નાગરિક જો દ્વિચક્રીય વાહન ચલાવીને જતો હોય અને કદાચ તેને હેલ્મેટ ન પહેર્યું હોયતો ટ્રાફિક પોલીસ તેને પકડીને તેની પાસેથી અચૂક દંડ વસૂલે છે. પણ હાલમાં નેતાઓની બાઇક રેલીઓમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યુ છે,તો શુ તંત્ર તેમની સામે કોઈ આકરા પગલાં ભરશે ખરા એ પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે.
તાજેતરમાં જ સુરતના સિંગણપુર ચોકડી પાસે આવેલા ભાજપના સુરત લોકસભાના ઉમેદવાર દર્શના જરદોશના કાર્યાલયથી એક બાઇક રેલી નીકળી હતી. જેમાં કોઈએ પણ હેલ્મેટ પહેર્યું ન હતું. ભાજપના ઝંડા ઓ સાથે નીકળેલી આ બાઇક રેલીમાં ચાલકોએ માથે ભાજપના કમળની નિશાન વાળી ટોપીઓ પહેરી હતી. પણ હેલ્મેટ પહેરવાની તસ્દી લીધી ન હતી.
ત્યારે આ રેલીને જોઈને આમ જનતામાં એક જ સવાલ ઉઠી રહ્યો હતો કે જો અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેની પાસેથી ટ્રાફિક પોલીસ દંડ વસૂલે છે એમાં કોઈ બાંધછોડ કરતી નથી, જ્યારે એક નેતાની બાઇક રેલીમાં આટલા બધા લોકો હેલ્મેટ પહેર્યા વિના જ મન ફાવે એમ વાહન હંકારતા હોવા છતાં પણ તંત્ર ચૂપ શા માટે રહેતું હોય છે? શુ સુરત ટ્રાફિક પોલીસ કમિશનર આ રેલીમાં હેલ્મેટ નહીં પહેરનારા લોકો સામે કાર્યવાહી કરશે ખરા? જો નેતાઓ જ નિયમોનું પાલન ન કરતા હોય તો પછી આમ જનતા પાસે તેની અપેક્ષા રાખવી વ્યર્થ છે.