વડાપ્રધાન મોદીનો અમૂલનાં વાઈસ ચેરમેનો બહિષ્કાર, વિદ્યાર્થીઓને ફરજિયાત હાજર રખાયા

વડાપ્રધાન મોદીનાં આણંદનાં કાર્યક્રમમાં કોલેજોનાં વિદ્યાર્થીઓને ફરજિયાત હાજર રહેવાનાં ફરમાન સામે રોષ
પેટા હેડિંગઃ વડાપ્રધાન મોદીનાં આણંદનાં કાર્યક્રમમાં અમૂલનાં વાઈસ ચેરમેન કરશે બહિષ્કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં એક દિવસીય ઝંઝાવાતી પ્રવાસે આવી રહ્યાં છે. આ સંજોગોમાં કેટલેક ઠેકાણે તેમનાં કાર્યક્રમોનો વિરોધ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને સવારે પહેલાં તેમનો આણંદનાં અમૂલમાં કાર્યક્રમ છે, ત્યાં વિરોધ થયો છે. કેમ કે, અમૂલનાં ચોકલેટ પ્લાન્ટનાં ઉદ્ઘાટનમાં આવી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૂલ દ્વારા યોજવામાં આવેલાં કાર્યક્રમમાં આવી રહ્યાં છે. પરંતુ, જે સ્થળે આ કાર્યક્રમ યોજાવાનો છે કે પછી આમંત્રણ પત્રિકા હોય કે પછી સમગ્ર શહેરમાં બેનર્સ કે પોસ્ટર્સ હોય બધે ભગવાકરણ અને ભાજપીકરણ જોવા મળી રહ્યું છે.
આણંદની અમૂલ ડેરી દ્વારા આયોજિત કાર્યક્રમનો વિરોધ કરી બહિષ્કારનું એલાન ખૂદ અમૂલ ડેરીનાં વાઈસ ચેરમેન અને કોંગ્રેસનાં બોરસદનાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે નિર્ણય કર્યો છે. તેમની સાથે અમૂલ ડેરીનાં કેટલાંક ડિરેક્ટર્સ પણ જોડાય એવી શક્યતા રહેલી છે.
તો બીજી બાજુ આ જ કાર્યક્રમ માટે આણંદની કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રવિવારે રજાનો દિવસ હોવા છતાં પણ ફરજિયાત હાજર રહેવાનો આદેશ કૃષિ યુનિવર્સિટીનાં તંત્રએ આપ્યો છે. જેની નારાજગી વિદ્યાર્થીઓમાં જોવા મળી છે. તો આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીનાં સત્તાવાળાઓએ પણ એક ફતવો શુક્રવારે બહાર પાડીને એસપી યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજનાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકોને પણ આ કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સાથે યુનિવર્સિટી સત્તાવાળાઓએ એવો પણ આદેશ કર્યો છે કે જે વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ કે અધ્યાપકો હાજર નહિ રહે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
એક વાત તો ચોક્કસ છે કે, જ્યારથી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી રાજ્યનાં કોઈપણ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમ યોજાવાનાં હોય તે વિસ્તારની શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણ આ કાર્યક્રમોમાં હાજર રાખીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હોવાનું પ્રસ્થાપિત કરીને પોતાની લોકપ્રિયતા વધી રહી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં પક્ષ દ્વારા પ્રચાર કરીને લોકોને ભરમાવવાનો પ્રયાસ ક્યારે અટકશે એ તો સમય જ કહેશે.