ઉનાળો શરૂ થતાં જ મગનું વાવેતર થઈ રહ્યું છે. વડોદરાના કૃષિ વિજ્ઞાનીઓએ એક એવા નવા જ પ્રકારના મગની જાત શોધી છે કે જે ખેડૂતોમાં હાલ જે પ્રચલિત જાત છે તેમાં રોગ પ્રતિકાર શક્તિ વધુ તો છે પણ સાથે તેનો દાણો મોટો અને ચમકીલો છે. વળી તેનું ઉત્પાદન બીજી પ્રચલિત જાતો કરતાં 15થી 32 ટકા વધું આવે છે. ગુજરાત આણંદ મગ – 5 નામની આ નવી વેરાઈટીમાં ખૂબી એ છે કે તેનું વાવેતર ઉનાળુ ઋતુમાં થાય છે. તેનું ઉત્પાદન 1811 કિલો ગ્રામ એક હેક્ટર દીઠ થાય છે. છેલ્લાં 3 વર્ષથી ખેતરમાં તેનું વાવેતર થઈ રહ્યું છે. તેના સારા પરિણામ જોવા મળી રહ્યાં છે. GAM-5 જાતના મગ હાલમાં ખેડૂતોમાં પ્રચલિત જાત જી.એમ.4 કરતાં 32.15 ટકા વધું ઉત્પાદન મેળવી બતાવ્યું છે. સીંગ દીઠ મગના દાણાની સંખ્યા બીજી જાતો કરતાં વધું છે. તેના દાણા ચળકતા અને લીલા રંગના તો છે પણ તેનું કદ પણ મોટું છે. તેથી ગ્રાહકને તે તુરંત ગમી જાય એવી જાત છે. તેથી તેની ખપત વધે છે. ખેડૂતો અને વેપારીઓને વધું ભાવ અપાવે એવી મગની નવી જાત છે. મગનું વાવેતર ગુજરાતમાં 4500 વર્ષ પહેલા થતું હોવાનું હડપ્પન સાઈટ પરથી મળેલા પુરાવા પરથી સાબિત થયું છે. 4500 વર્ષના કૃષિ ઈતિહાસમાં આ મગની આ શ્રેષ્ઠ જાત માનવામાં આવે છે. વડોદરાના કઠોળ સંશોધન કેન્દ્રના મોડેલ ફાર્મમાં જાળવવામાં આવેલા જર્મપ્લાઝમમાંથી પ્યોર લાઈન સીલેક્શન દ્વારા GAM-5 જાત વિકસાવી છે. આમ તો મગનું વાવેતર સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશમાં થાય છે. 7 જાતના રંગમાં મગ જોવા મળે છે. પણ ગુજરાતને વિકસાવેલા આ લીલા રંગના મગ બધાને ગમી જાય એવી સુંદરતા ધરાવે છે. તેના રંગ અને રૂપ તો સારા છે. પોષક મૂલ્ય સૌથી વધું જોવા મળે છે. પ્રોટિનનું પ્રમાણ 24.51 ટકા છે. GM-4 જાત કરતાં કાર્બોદિત પદાર્થ 24.33 ટકા છે. દ્વાવ્ય શર્કરા 17.62 ટકા છે. ખેડૂતો માટે ફાયદાકારક બાબત એ છે કે, વિષાણુંથી થતાં પીળા પંચરંગીયા રોગનું પ્રમાણ બીજી જાતોમાં 66.8 ટકા સુધી આવે છે પણ નવી જાતના મગમાં તે રોગ માત્ર 4.10 ટકા જોવા મળ્યો છે. જે ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે એવી ક્ષમતા ધરાવે છે. મગમાં સફેદ માખી આવે છે ત્યારે તે પાકને સારું એવું નુકસાન કરે છે. આ જાતના મગમાં સફેદ માખી આવવાનું પાન દીઠ પ્રમાણ 0.44 જોવા મળે છે. શીંગ કોરી ખાઈને વ્યાપક નુકસાન કરતાં ઈયળ ઓછી આવે છે. GM-4ની સરખામણીએ ઈયળ 7.7 ટકા જોવા મળે છે. રોગ સામે લડવાની ક્ષમતા જોતા ખેડૂતોને જંતુનાશક દવા છાંટવાના ખર્ચમાં ઘટાડો 3-4 વર્ષથી આ જાતથી થઈ રહ્યો છે. આમ ભલે તેનું ઉત્પાદન બીજા ઉનાળુ મગ કરતાં વધું ન હોય પણ તેની સામે ખેડૂતોને વધું ભાવ અને વધું માંગ ઊભી કરતી અને ઓછું ઉત્પાદન ખર્ચ કરાવીને વધું કમાણી કરાવી આપતી આ જાત છેલ્લાં 3-4 વર્ષથી સફળ રહી છે.