વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક લાયન એટલે કે સિંહ ભલે જંગલનો રાજા હોય પણ વન વિભાગના અધિકારીઓ માત્ર તેને પ્રવાસીઓને આકર્ષવાનું સાધન જ ગણે છે. જેના કારણે ચાલતી વિવિધ પ્રવૃતિઓ સિંહ માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે. લોકો સિંહના દર્શન માટે આતૂર હોય અને આ લોક અપેક્ષાનો લાભ લેવા માટે થતી બધી જ પ્રવૃત્તિ સિંહના અસ્તિત્વ ઉપર ખતરા સમાન છે. બરડાનાં ડૂંગરમાં સિંહોનો વસવાટ મોતનું કારણ જ બનશે. ઉપરાંત દલખાણિયા રેન્જમાં જે કંઈ બની રહ્યું છે તેની પાછળ પાયાના કર્મચારીઓની અનદેખી અને ઉચ્ચ અધિકારીઓનો ઈગો જવાબદાર છે.
બેબેસીયા પ્રોટોઝોઆ અને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ નામના જે રોગને સિંહના સામુહિક મોત માટે જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે, તે માત્ર લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચવાની વાત છે. આ ઘટના પાછળ વન વિભાગના અધિકારીઓનો ખોટો આત્મવિશ્વાસ જવાબદાર છે અને જો એવું ન હોત તો જયારે સિંહના સામુહિક મોતની ઘટના બહાર આવી, ત્યારે જ ખોટી થિયરીઓ રજૂ કરવાના બદલે સાચી દિશામાં કામ કર્યું હોત તો 23 સિંહના મોત થયા તેમાંથી કેટલાકને બચાવી શકાયા હોત.
અમરેલી જિલ્લાના ધારી જંગલ વિસ્તારમાં આવેલ દલખાણીયા રેન્જમાં સિંહના સામુહિક મોત પછી પણ સિંહના મોતની ઘટના બનતી રહી. લગભગ આખો એક સિંહ પરિવાર મોતને ભેટ્યો છે. ત્યારે આ ઘટના પાછળનું સાચું કારણ ક્યારેય બહાર નહીં આવે તેવું હાલ પૂરતું લાગી રહ્યું છે. પણ આ ઘટનાએ વનવિભાગના અધિકારીઓની નીતિરીતિ સામે અનેક સવાલ ઉભા કર્યા છે ત્યારે વન વિભાગના નિવૃત અધિકારી કે આર વઘાસીયા કહે છે કે ખરેખર જે કર્મચારીઓ જંગલમાં રહીને જીવસૃષ્ટિનું સતત અવલોકન કરતાં હોય છે, તેની ભૂમિકા આ સમયે ખૂબ જ મહત્વની બની શકે છે. પણ અધિકારીઓ પોતાની ઈગો ન ઘવાય તે માટે નાના-નાના કર્મચારીઓની સાથે જાહેરમાં તો ઠીક ખાનગીમાં પણ ચર્ચા કરતા નથી. જે ગીર જંગલ અને સિંહ માટે મોટો ખતરા સમાન છે.
એક તરફ ગીરમાં સિંહ રોગચાળાથી સલામત નથી તેવી વાતો વચ્ચે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બરડાના ડૂંગરમાં સિંહનો વસવાટ થાય તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે વઘાસિયા કહે છે આ અંગે 20 વર્ષથી પ્રયત્નો ચાલે છે અને તેમાં વન વિભાગના અધિકારીઓ સફળ થયા નથી, છતાં જો બરડાના જંગલ વિસ્તરમાં સિંહનું નવું ઘર બનાવના પ્રયત્નો થાય તો એ કાર્યવાહી સિંહને મોતના મુખમાં ધકેલવા જેવી હશે. કારણ કે બરડાના જંગલમાં ભૌગોલિક સ્થિતિ જ એવી નથી કે ત્યાં સિંહ લાંબો સમય જીવી શકે. સાથે સાથે પથરાળ વિસ્તાર હોવાનાં કારણે આવા વિસ્તારમાં સિંહો ચાલી ન શકે અને તેનાં પગ છોલાઈ જાય તેને કારણે પણ સિંહોને આ વિસ્તારમાં જીવવું દુષ્કર બની જાય.
સિંહમાં આવેલી આ પ્રાણઘાતક બીમારી સામે તબીબી રક્ષણ મળી રહે તેવા પ્રયત્નો થઈ રહયાં છે. ત્યારે એક સવાલ એ પણ ઉઠ્યો છે કે જે વેટરનરી તબીબો સિંહની સારવાર કરે છે તેને વાઈલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓના શરીર અને તાસીરનું જ્ઞાન છે ખરું ? અને બીજો સવાલ એ છે કે વનવિભાગ આ મહત્વની જવાબદારી નિભાવતા તબીબોને ફિક્સ પગારમાં નોકરી કરાવે છે. આથી બીજી તક મળે ત્યારે આ તબીબ અન્ય જગ્યાએ જતા રહે છે. જેનાથી અનુભવી તબીબોની ખોટ સતત વર્તાઈ રહી છે. ત્યારે સિંહના સામુહિક મોત પછી એક વાત તો સ્પષ્ટ છે કે ગીરનું ઘરેણું જેને સમજવામાં આવે છે તે સિંહ માત્ર પ્રદર્શનું સાધન નથી પણ જંગલના પ્રાણ છે અને તેને ટકાવી રાખવા હોય તો સાચી દિશામાં કામ થશે ખરું?